મિત્રતા એટલે શુ? જો તેને સરળ શબ્દોમાં કહેવામાં આવેતો એવી વ્યક્તિ જેના સાથે કોઈપણ સ્વાર્થ વગર રેહવું ગમે, પરંતુ આજકાલ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મિત્રતા કંઈક નવુજ સૂચવે છે. જેમાં આપણે વ્યક્તિને મળ્યા કે ઓળખ્યા વગર ફ્રેન્ડ તરીકે ફરજીયાત સંબોધન આપવાનું રહે છે. જે આજના યુગનું કડવું કહીયે કે મીઠું પણ સત્ય છે. આપણે દરેક સારી રીતે સમજતા અને જાણતા જ હોઇશુ કે દરેક સંબંધ નાના મોટા સ્વાર્થ સાથે જોડાયેલ છે.
નિસ્વાર્થપણું અને પ્રેમ, મિત્ર પ્રત્યે તમારી વફાદારી. સાચી મિત્રતા માટે ત્રણ પાયાના સિદ્ધાંતો છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ ઉમદા રીતે સમજાવે છે. સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતાનો એક નાનકડો પ્રસંગ જે ઘણુંબધું સમજાવી જાય છે. શ્રી કૃષ્ણ અને સુદામા જયારે સાંદિપની ઋષિના આશ્રમમાં શિક્ષા મેળવી રહ્યા હતા તે સમયની વાત છે. બંને મિત્રો જંગલમાં લાકડા કાપવા જાય છે, પરંતુ જંગલનો રસ્તો દુર્ગમ હોવાથી રાત જંગલમાં જ રેહવું પડે છે. ઋષિ પત્નીએ સુદામાને બંને માટે ભાતામાં ખાવા ચોખા આપ્યા હતા. રાત્રીના સમયે બંને મિત્રોને ભૂખ લાગે છે ત્યારે સુદામા ક્રિષ્નાથી છુપાઈને ચોખાં ખાવા માંડે છે. ભગવાન કૃષ્ણ ભૂખ્યા થાય છે અને સુદામાને પૂછે છે કઈ ખાવાનું છે? ત્યારે સુદામા ના કહે છે. બસ ત્યારપછી સુદામાની દરિદ્રતા વિશે આપણા બધાને ખ્યાલ હશે જ. ઘણાં વર્ષો બાદ ફરી સુદામા દ્વારિકા નગરીના રાજા શ્રી ક્રિષ્નાને મળે ,છે ત્યારે સુદામાની પત્નીના આપેલ ચોખાં ક્રિષ્નાને ભેટ તરીકે આપે છે. ત્યારબાદ તેમની દરિદ્રતા દૂર થાય છે.
બસ આજ નાનકડો પ્રસંગ મિત્રતા અને કર્મ બંધન બંને વિશે ઘણુંબધું સમજાવતો જાય છે. મિત્રતાની સાથે દરેક સંબંધ નિઃસ્વાર્થ રહેવો અત્યંત જરૂરી છે નહી તો, કર્મબંધન પીછો મુકશે નહિ. ફ્રેંડશીપ ડેના દિવસે એટલું જરૂર કરીયે આપણા મિત્ર પાસેથી કંઈક લેવાની આશા કરતા આપણું યથાશક્તિ યોગદાન આપવા પ્રયત્નો કરવા.