અમદાવાદ: સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સોશિયલ ઈ-કૉમર્સ એપ “ઇફકો આઈ મંડી” તથા એક વેબ પોર્ટલ શરૂ કરીને ડિજિટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવાની દિશામાં આ એક સાર્થક પહેલ છે. ઇફકોની તમામ ઈ-કૉમર્સ અને ડિજિટલ પ્રવૃત્તિઓ ઇફકો આઈ-મંડી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.
આઈ-મંડી એ ઇફકોની સો ટકા ભાગીદારી ધરાવતી સહયોગી કંપની ઇફકો ઈ-બજાર લિમિટેડ દ્વારા સિંગાપુરની ટેકનોલોજી કંપની આઈ-મંડી પ્રાઇવેટ લિમિટેડની સાથે ભેગા મળીને કરવામાં આવેલ એક વ્યૂહાત્મક રોકાણ છે. કૃષિ ઉદ્યોગ તથા મોબાઇલ/ઇન્ટરનેટ ટેકનોલોજીના ક્ષેત્રના અનુભવી અને વ્યાવસાયિક લોકો તેની સાથે જોડાયેલા છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશના દરેક ખેડૂત સુધી ડિજિટલ ટેકનોલોજીનો લાભ પહોંચાડવાનો તથા ગ્રામ્ય ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો છે.
આ યોજનાને વ્યાપક સ્તરે કાર્યાન્વિત કરવામાં આવશે. ઇફકોના 55,000 વેચાણકેન્દ્રો, 36,000 સભ્ય સહકારી સમિતિઓ, 30,000 ભંડારણ ગૃહો તથા 25 કરોડ ગ્રામ્ય વપરાશકર્તાઓ સાથે જોડાઇને આઈ-મંડી ગ્રામ્ય સોશિયલ ઈ-કૉમર્સ ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી કંપની બની જશે. લગભગ 16,000 પિન કૉડ દ્વારા ભારતનો લગભગ એક-તૃત્યાંશ હિસ્સો તેનાથી જોડાઈ જશે.
એન્ડ્રોઇડ અને આઇઓએસ ફોન પર ક્રમશઃ પ્લે સ્ટોર અને એપસ્ટોર દ્વારા આઈ-મંડી એપને ડાઉલૉડ કરી શકાય છે. www.iffcoimandi.in ના માધ્યમથી વેબ મારફતે પણ તેની સાથે જોડાઈ શકાય છે. તેમાં વિવિધ વેચાણકેન્દ્રોના માધ્યમથી લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત ખેડૂતોને સાંકળવા માટે સંવાદ (ચેટ તેમજ કૉલિંગ), મનોરંજન તથા સૂચના/સલાહ વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેની સોશિયલ અને સંવાદ સંબંધિત સુવિધાથી વિવિધ ક્ષેત્રના લોકો એક જ પ્લેટફોર્મ પર જોડાઈ શકશે. પોત-પોતાની અભિરૂચી મુજબ લોકો અલગ-અલગ ફૉરમ પસંદ કરી શકે છે. તેઓ જે-તે વિષયના તજજ્ઞ સાથે વાત કરી શકે છે તથા વિવિધ સમસ્યાઓ પર તેમની સલાહ પણ લઈ શકે છે. એટલું જ નહીં, તેઓ એકબીજા સાથે પોતાની સફળતાનું આદાન-પ્રદાન પણ કરી શકે છે.
વેચાણકેન્દ્ર મારફતે ખેડૂત હાલમાં ખાતર (રાસાયણિક, પાણીમાં દ્રાવ્ય, કાર્બનિક, જૈવિક વગેરે), કૃષિ રસાયણ તથા બિયારણ સહિત ઇફકોના તમામ ઉત્પાદન રાહત દરે ખરીદી શકે છે તથા વધારાની કોઇપણ ચૂકવણી કર્યા વગર તેને ઘરે બેઠા મંગાવી શકે છે. ખેડૂત પોતાની લેવડ-દેવડ મોબાઇલ એપ, વેબ પોર્ટલ અથવા કૉલ સેન્ટર દ્વારા ટૉલ ફ્રી નંબર 1800 2000 344 પર કૉલ કરીને કરી શકે છે.
તેઓ ચેટ, ઑડિયો અને વીડિયો કૉલ તથા ફોટો અને વીડિયો શૅર કરીને પોતાના મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં પણ રહી શકે છે. તેમાં સંદેશાવ્યવહારની સુવિધા એન્ડ ટુ એન્ડ ઇન્ક્રીપ્ટેડ છે તથા તેનો ડેટા સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રહે છે.
વપરાશકર્તા માટે મનોરંજક વીડિયોની સાથે-સાથે હવામાન, બજારભાવ તથા દૈનિક સમાચારોની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત, તેઓ પોતાની પસંદગીના સ્થાનિક અને રાષ્ટ્રીય રેડિયો સ્ટેશનના કાર્યક્રમો પણ સાંભળી શકે છે.
ઇફકોના વહીવટી નિયામક ડૉ. યૂ. એસ. અવસ્થીએ આ પ્રસંગે જણાવ્યું કે, ‘સમગ્ર ભારતમાં ખેડૂતો વચ્ચે ઓનલાઇન અને ડિજિટલ લેવડ-દેવડના ઉપયોગનો પ્રચાર-પ્રસાર કરવાના અભિયાન બાદ ‘ઇફકો આઈ-મંડી એપ’નો પ્રારંભ કરતાં અમે ગર્વ અનુભવીએ છીએ. આઈ-મંડી કૃષિ આદાન-પ્રદાનો, ગ્રાહક વપરાશની ચીજવસ્તુઓ (એફએમસીજી), ઇલેક્ટ્રોનિક્સ, લૉન તથા વીમા વગેરેની ખરીદી કરવા માટે એક ‘વન સ્ટોપ શૉપ’ અર્થાત તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. તે કૃષિ સમુદાયની તમામ જરૂરિયાતોને પૂરિપૂર્ણ કરશે તથા 5.5 કરોડ ખેડૂત તેનાથી લાભાન્વિત થશે.’
આઈ-મંડી પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક વી. કે. અગ્રવાલે જણાવ્યું કે, ‘ઇફકો અને આઈ-મંડીને એ વાતનું આશ્વાસન છે કે, આ ભારતીય સહકારી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દરેક ઘર, દરેક ગામમાં મોટા પાયે સામાજિક પરિવર્તન લાવવામાં મદદ મળશે તથા તેની ડિજિટલ સમાવેશી ટેકનોલોજીથી એક કરોડ લોકો સક્ષમ બનશે.’
ખેડૂતો નજીકના ભવિષ્યમાં જ પોતાના ઉત્પાદનો સારી કિંમતે ઑનલાઇન વેચી શકશે. આઈ-મંડી દ્વારા લૉન, વીમા જેવી અનેક નાણાકીય સેવાઓની સુવિધા પણ મળશે.
સમયની સાથે આ એપ પર અનેક સામાજિક સુવિધા પણ ઉપલબ્ધ થશે. તેના દ્વારા ઑનલાઇન શિક્ષણ અને કૌશલ્યવર્ધનની સાથે-સાથે રોજગારી મેળવવામાં પણ મદદ મળી રહેશે. આ એપના માધ્યમથી મૂળભૂત ચિકિત્સા સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઈ-મંડી એપની ખાસિયત એ છે કે, તે 2G+ અને 3G+ બંને પ્રકારની ટેકનોલોજી ધરાવતાં સ્માર્ટ ફોન પર પણ કામ કરે છે. હિંદી અને અંગ્રેજી સિવાય તે ભારતની 10 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે. તેને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વસતા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને અને વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવી છે.