રાજ્ય સરકારે આજે વધુ એક કિસાન લક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોને જમીનના વળતર પેટે અપાતી રકમ સત્વરે મળે તે માટે રૂ.૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તા જિલ્લા કલેકટરઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેના પરીણામે ખેડૂતોને વળતરની રકમ માટે અપાતા એવોર્ડની રકમ ઝડપથી પ્રાપ્ત થતા મહત્વના પ્રોજેક્ટ વધુ વેગવાન બનશે.
આ નિર્ણય અનુસાર રૂ.૧ કરોડ સુધીની એવોર્ડ મંજુર કરવાની સત્તા ખાસ જમીન સંપાદન અધિકારી/ પ્રાંત અધિકારી/ નિવાસી નાયબ કલેકટર (જે સંપાદન અધિકારી તરીકે ફરજો બજાવતા હોય તેવા નાયબ/ પ્રાંત અધિકારી), રૂ. ૧થી ૫ કરોડ સુધીની સત્તા જિલ્લા કલેકટર / અધિક કલેકટર (સિંચાઈ), રૂ. ૫થી ૧૦ કરોડ સુધીની સત્તા મહેસૂલ વિભાગના સચિવ તથા રૂ.૧૦ કરોડથી વધુ રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તા મહેસૂલ મંત્રીને રહેશે.
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર થશે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણયના કારણે ખેડૂતોને ઝડપથી વળતરની રકમ પ્રાપ્ત થશે.
જમીન સંપાદન પુનઃ સ્થાપન અને પુન:વસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩ની કલમ-૨૩ હેઠળ સંપાદિત જમીનના વળતરનો એવોર્ડ જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોના હિતમાં તેઓને ઝડપથી વળતરની રકમ ચુકવાય તે હેતુથી રાજ્ય સરકારને મળેલ સત્તાઓ પૈકી રૂ. ૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તાઓ કલેકટરશ્રી તેમજ ક્ષેત્રિય કચેરીઓમાં જમીન સંપાદનની કામગીરી સંભાળતા અધિકારીઓને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.