રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઊર્જાથી સિંચાઇ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિ માટે સૂર્યશક્તિ કિસાન યોજના – SKYની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે. કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના બની રહેશે કેમ કે ખેડૂતના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે તેની માલિકી ખેડૂતોની રહેશે.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઊર્જા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ સ્કાય યોજનાની ઉપયોગીતા અને વિશેષતાઓની વિસ્તૃત જાણકારી ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
ઊર્જા મંત્રીએ જણાવ્યું કે સૌર ઊર્જાથી હવે રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે. ધરતી પુત્રો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે. આ સૌર ઊર્જાથી ખેડૂતના ખેતરમાં દિવસે પાણી મળતું થશે તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા કમાણી પણ થશે.
ઊર્જા મંત્રીએ સૂર્યશકિત કિસાન યોજના SKYની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.
આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૧૩૭ ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ જે ૧૩૭ ફીડર દ્વારા ૧ર૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટ અંદાજે રૂા. ૮૭૦ કરોડના ખર્ચે કાર્યાન્વિત થશે. તેમાં આ સૂર્યશકિત કિસાન યોજનાથી જે સૌર ઊર્જા ઉત્પન્ન થશે તે રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક વિશેષ પહેલ બનશે.
મુખ્યઅંશોઃ
- ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે.
- સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.
- ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.
- ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
- લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
- એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે).
- પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે.
- સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.
- વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે, જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.
- આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
- ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.