2019માં મોદી સરકારની વાપસી માટે ભાજપ પૂરજોશથી તૈયારીઓમાં લાગી ગયુ છે. યુ.પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બોલિવુડ અભિનેતા સંજય દત્ત સાથે મુલાકાત કરી હતી. 9 જૂને સંજય દત્ત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન સંજય દત્તે યોગી આદિત્યનાથને જણાવ્યુ કે, તે જૌનપુર રોડ પર આવેલ તેની નાનીના ગામ ચિલબિલાને દત્તક લેવા માંગે છે. સંજય દત્તની માતા નરગીસનુ પિયર ચિલબિલા ગામ થાય છે.
સંજય દત્તે જણાવ્યુ હતુ કે, તેઓ ઉત્તરપ્રદેશ સરકારની ફિલ્મ નિતીથી ખુબ પ્રભાવિત છે. ઓક્ટબર મહિનાથી તેની બીજી ફિલ્મનું શૂટિંગ ઉત્તરપ્રદેશમાં શરૂ કરશે. હાલમાં લખનૌ અને તેની આજુબાજુના પ્રાંતમાં સંજય તેની ફિલ્મ પ્રસ્થાનમનું શૂટિંગ કરી રહ્યો છે.
હાલમાં ભાજપનુ જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મોટા ગજાના નેતા મોટી મોટી હસ્તીઓના ઘરે જઇને મુલાકાત કરી રહ્યાં છે. જોકે આ મુલાકાત ભાજપના જનસંપર્કનો હિસ્સો નથી. ભાજપ પાર્ટી સ્વરકોકીલા લતા મંગેશકરને મળવાની હતી, પરંતુ લતાજીની તબિયત લથડતા પ્રોગ્રામને રદ્દ કરવો પડ્યો હતો. આ વિષેની જાણકારી લતાજીએ ટ્વિટરના માધ્યમથી આપી હતી.
હવે યોગી આદિત્યનાથ સંજય દત્તની આ વાત સ્વીકારે છે કે પછી ગામને દત્તક લેવાની ના કહે છે તે તો સમય આવતા જ ખબર પડશે.