ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ગેરકાયદેસર સંબંધોની શંકામાં એક પતિએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતા પતિએ કથિત રીતે પહેલાં તેને ખુરશી સાથે બાંધી દીધી અને ત્યારબાદ તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી મહિલાનું મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ પોતાનાં બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે કાર્યવાહી કરીને આરોપી પતિ સુખબીર સિંહ ઉર્ફે મોનૂની ધરપકડ કરી લીધી છે. હૃદય હચમચાવી નાખતી આ ઘટના છિબરામઉ કોતવાલી વિસ્તારના જગતપુર ગામની છે.
ખુરશી સાથે બાંધી પત્નીને પેટ્રોલ છાંટી આગ લગાવી
છિબરામઉ કોતવાલીની સિકંદરપુર ચોકી હેઠળ આવેલા જગતપુર ગામમાં એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની જાણ થતાં ચકચાર મચી ગઈ હતી. આરોપ છે કે પતિ સુખબીર સિંહ ઉર્ફે મોનૂએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને રૂમમાં ખુરશી સાથે બાંધી દીધી હતી. ત્યારબાદ તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સવારે આશરે 7:45 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં સુધીમાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી પતિ બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો.
2015માં કર્યા હતા પ્રેમલગ્ન
મળતી માહિતી મુજબ, આરોપી સુખબીર સિંહે વર્ષ 2015માં મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે હરિયાણાના હિસારમાં રહીને મજૂરી કામ કરતો હતો. ઘટનાના માત્ર બે દિવસ પહેલાં જ તે પોતાના ગામ પરત આવ્યો હતો. ત્યારબાદ પત્ની સાથે તેનો વિવાદ થયો હતો અને તેણે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી
કન્નૌજના પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું કે આ ઘટના છિબરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારના જગતપુર ગામની છે. સુખબીર સિંહ નામના વ્યક્તિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને રૂમમાં બંધ કરી આગ લગાવી દીધી હતી, જેના કારણે તેનું દાઝી જવાથી મોત થયું હતું.
પોલીસે આરોપી સુખબીરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટનાને લગતી વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, સવારે આશરે 8:45 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

