અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વનબંધુઓના સર્વગ્રાહી વિકાસ અને જીવન ધોરણમાં વૃધ્ધિના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આદિજાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે બ્લોક / સર્વે નંબરના આદિજાતિ ખાતેદારને ૪ એકર જમીન હોય તો પણ બીજું વીજ જોડાણ આપવામાં આવશે. રાજ્યમાં વધારાનું ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે. તેમણે આદિજાતિ વિસ્તારોમાં અનાજ દળવાની ઘંટી માટેના કનેકશન લેવા માટે અગાઉ બિનખેતી એન.એ.નું જે પ્રમાણપત્ર મેળવવું પડતું હતું તે મેળવવામાંથી પણ મુકિત આપી છે. એટલું જ નહિ, ખેતી વિષયક અન્ય વ્યવસાયના કિસ્સામાં પણ આવા વીજ કનેકશન લેવા માટે એન.એ. પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે નહિ. તેવો નિર્ણય બેઠકમાં કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ આદિજાતિ પરિવારોના હોનહાર બાળકો સેપ્ટ, રક્ષાશકિત, ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરી શકે તે માટે એક દિશા સૂચક નિર્ણય પણ આ બેઠકમાં કર્યો હતો. તદ્દઅનુસાર, આવી યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને પણ અનૂસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગો (OBC)ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ધોરણે જ શિષ્યવૃત્તિ સહાય અપાશે.
રૂપાણીએ રાજ્યમાં ૧૯૬ ફોરેસ્ટ વિલેજને રેવન્યુ વિલેજ બનાવવામાં આવેલા છે તેનું રેવન્યુ રેકર્ડ એક માસમાં તૈયાર કરી દેવાની પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો કે આદિવાસી વિસ્તારમાં સિંચાઇ યોજનાના અસરગ્રસ્તોને પૂનઃ વસવાટના જે લાભો મળવાપાત્ર થાય છે તે ઝડપી મળી રહે તે હેતુસર મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મહેસૂલ, વન-પર્યાવરણ અને સિંચાઇ વિભાગના વરિષ્ઠ સિચવોની બેઠક ૧પ દિવસમાં બોલાવી વ્યવહારૂ ઉકેલ લાવી દેવાશે.