ખલીલ ધનતેજવી સાહેબનો સરસ મજાનો શે’ર છે કે
अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ
મિત્રો, માણસ જ્યારે કુદરતથી દૂર થાય છે ને ત્યારે એનામાં કૃત્રિમતા શરૂ થાય છે. એની સાહજિકતા મરી પરવારે છે, એની સરળતા ધીરે-ધીરે ખતમ થવા લાગે છે અને માણસ છે એ જટિલ બનવાની પ્રક્રિયા તરફ આગળ વધે છે. માણસ જેમ જેમ જટિલ જાય છે એને ગૂંચવાતો જાય છે અને માણસ જેમ જેમ ગૂંચવાતો જાય છે એમ એનું જીવન અને નીરસ થતું હોય એવું લાગે છે. જીવનના સાચા આનંદને માણસ નથી શકતો. જીવનની સાચી મજા તે માણસ લઈ નથી શકતો,જીવનની અંદર જે કંઈ પણ જરૂરી મૂલ્યો છે માણસ મેળવી નથી શકતો અને પરિણામે એ માણસ પોતાના સુખ શાંતિ ગુમાવી બેસે છે અને જેને લીધે ઘણીવાર ચીડિયો પણ બની જાય છે.
આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ નદી, આ પર્વત,આ સુર્યનું ઉગવુ, આ સુર્યાસ્તનું થવું, આકાશની અંદર લાલિમા છવાઈ જવી કે જેને આપણે સંધ્યાનું ખીલવું એમ કહીએ છીએ,સારા એવા ફૂલો ને જોઈને આપણને આનંદ કેમ થાય છે.!? આપણું મન પ્રફુલ્લિત કેમ થાય છે !?કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ આ બધી ઘટનાના સાક્ષી છીએ, ક્યારેક ક્યારેક આપણે પણ આ બધી ઘટનાઓને આપણી ભીતર ઘટતી જોઈ શકિએ છે, આપણી ભીતર અનુભવી શકીએ છીએ અને પરિણામે જ આપણને આ બધી ઘટનાઓ માટે લગાવ થાય છે. આવી જ એક બીજી વસ્તુ કે તત્વ છે એ છે માતૃભુમિ.
એક એ મા છે કે જે આપણને જન્મ આપે છે, આપણું પોષણ કરે છે, જેનો ખોળો ખૂંદી અને આપણે મોટા થઈએ છીએ અને બીજી એક એ માં છે કે બાળપણમાં જેની માટી ખાઈ અને આપણે મોટા થઈએ છીએ.જે ગામમાં આપણો જન્મ થાય છે,જે રાજ્ય અને જે રાષ્ટ્રમાં આપણે રહીએ છીએ એના માટે માન હોય,એના માટે પ્રેમ હોય એ સ્વાભાવિક છે. એ ગામ, એ રાજ્ય,એ રાષ્ટ્ર માટે આપણા મનમાં એક અલગ લાગણી હોય છે, આપણા માટે માત્ર એક જમીનનો ટુકડો ન હોતા એક જીવતી જાગતી વ્યક્તિ સમાન હોય છે. આપણા દિલમાં એના માટે એક એવો અનામત પ્રેમ હોય છે કે જગતના કોઈપણ ખૂણે આપણે જઇએ તો પણ એવો ને એવો જ રહે છે.આપણને એ યાદ તો આવે જ છે. ક્યારેક વતન થી કોઈ દૂર રહેલા માણસને આપણે પૂછીએ તો એ જ એનો સાચો અનુભવ આપણને જણાવી શકે કે માતૃભૂમિની એને કેટલી યાદ આવતી હોય છે !!
ચંદ્રકાંત બક્ષી તો એવું લખે કે વતન એ પુરુષનું ઓફિશિયલ પિયર છે. આપણને એવું થાય કે પિયર તો સ્ત્રીને હોય પણ વતન અને પુરુષ નું પિયર આ કનેક્શન કઇ રીતે હોઇ શકે.!?! તો કે જેવી રીતે પોતાના પિયરના આંગણામાં પગ મુકતા જ કોઈપણ સ્ત્રી પોતાનો બધો થાક ભૂલી જાય છે ! એવી જ રીતે વતનથી દૂર રહેલો માણસ જ્યારે વતન ની ધૂળ માં પગલા માંડે છે ત્યારે એનો બધો થાક દૂર થઈ જતો હોય છે !!
આપણા સામાજિક જીવનમાં પુરુષ ફૂડ ચેઝર છે અને સ્ત્રી એ ફૂડ મેકર છે. પુરુષ રોજીરોટી ની તલાશમાં વતનથી દૂર રહેતો હોય પણ મનથી તો એ હંમેશા ત્યાં જ હોય છે.
વાલ્મીકિ રામાયણનો પ્રસંગ છે કે લંકા ના યુદ્ધમાં રાવણ ને હરાવી,એનો વધ કરી અને ભગવાન રામ જાનકીજીને મુક્ત કરે છે તથા પોતાના નાના ભાઈ લક્ષ્મણને વિભીષણના રાજ્યાભિષેક કરવા માટે લંકા મોકલે છે. લક્ષ્મણજી તો લંકા ની અંદર દાખલ થતાં આ સોનાની લંકા જોઈ અભિભૂત થઈ જાય છે ! લંકા માં રહેલા પુષ્પોની સુગંધ, લંકામાં રહેલો સોના હીરા-માણેક નો શણગાર આ બધી ભૌતિકતા જોઈ અને લક્ષ્મણજી જ્યારે પાછા આવે છે ત્યારે ભગવાન રામ પાસે આવી અને એવું કહે છે કે, ‘ પ્રભુ, આ સોનાની લંકા તો મને ખૂબ ગમી છે. આપણે થોડાક દિવસ માટે અહીં રોકાઈ અને પછી અયોધ્યા જવા માટે નીકળીએ.” તેનો પ્રત્યુત્તર આપતાં ભગવાન શ્રીરામ એવું કહે છે કે,
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।
કે લક્ષ્મણ મને આ સોનાની લંકા જરાય ગમતી નથી, કારણ કે મા અને માતૃભૂમિ તો સ્વર્ગ થી પણ ચડિયાતા છે. મને મારી અયોધ્યા ત્રણેય લોકો કરતા વધારે વ્હાલી છે.
હા માત્ર ભગવાન માટે જ નહિં, પણ આ વાત એ કોઇપણ માણસ માટે લાગુ પડે છે.પછી ભલે એ માણસ નાનાં ગામડામાંથી આવતા હોય કે મોટા મેગાસિટી માંથી આવતો હોય પણ એને પોતાનું વતન વાહલું જ હોય છે.કારણ…!?
કારણ કે આ એ વતન છે કે જેની શેરીઓમાં ભમિ ભમિ અને એ મોટા થયા હોય છે, આ એ ગામ હોય છે કે જેની ધૂળમાં આળૉટી અને એ લોકો મોટા થયા હોય છે. આ એ જગ્યા હોય છે કે જેના વૃક્ષો નીચે ટાઢા છાંયે બેસી અને તેમણે ધગધગતા સૂર્યના તાપને હરાવ્યો હોય છે.! આ એ જગ્યા હોય છે કે જ્યાં એણે મન ભરીને પોતાના જિંદગીના સોનેરી સમય એવા બાળપણને માણ્યું હોય છે..!
એટલા માટે જ કોઈપણ માણસને એનું વર્તન જીવ કરતા પણ વધારે હોય છે !!!
તો આપણે પણ આવતી યુગપત્રી માં આવા જ એક માતૃભૂમિના માટે પ્રેમથી તરબતર એવા એક ગીત વિશે વાત કરવી છે કે જે ગીત એ કેસરી ફિલ્મનું છે જેના શબ્દો છે :- तेरी मिट्टी (teri mitti).
વધું આવતાં શુક્રવારે….
- યુગ અગ્રાવત