મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે સંબંધોનું વૃક્ષ સહજતાના કિનારે વિકસે છે. માણસ જ્યારે લાગણીના સમ બંધનથી બંધાઈ છે ત્યારે જ સંબંધ બંધાઈ છે. હવે જોઈએ આ ગીતનો છેલ્લો અંતરો જેમાં જણાવાયું છે કે સંબંધ બને પછી એ કેમ આગળ ટકી શકે તો જોઈએ આગળ…
મિત્રો, સંબંધ આગળ ક્યારે વધે…!? અને મજબૂત ક્યારે બને..!? તો કે જ્યારે સંબંધ સ્વાર્થ વગરનો હોય ત્યારે જ એ સંબંધ સાચો અને મજબૂત બને છે. જ્યાં હેતુ વગરનું હેત હોય ત્યાં જ સંબંધ સચવાય છે.
કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પણ અપેક્ષા વગર કોઈને પ્રેમ કરે છે ત્યારે એના માટે થઈને એ ગમે તેટલી મુસીબતનો સામનો કરવા તૈયાર થઈ જાય છે.
હા, સાચો જીવનસાથી એને જ કહી શકાય કે જે કદાચ સુખમાં સાથે હોય કે ના હોય પણ દુઃખમાં આપણો હાથ પકડીને કહે કે, ઉપાધિ શુ કામ કરો છો !? હું છું ને સાથે..! આપણે સાથે મળીને બધું બરાબર કરી દઈશું..!
બસ આ એક વાક્ય જ ગમે તેવા દુઃખી માણસને મનોબળ પૂરું પાડે છે અને ગૌસ્વામી તુલસીદાસએ પણ રામચરિત માનસના અરણ્ય કાંડમાં લખ્યું છે કે,
धीरज, धर्म, मित्र अरु नारी।
आपद काल परखिए चारी।
આપણી આપત્તિના સમયે આપણને આ ચાર વ્યક્તિની પરખ થઈ જાય છે :- ધીરજ, ધર્મ, મિત્ર અને આપણી પત્ની.
આપત્તિના સમયે જો આપણે ધીરજ ગુમાવતા નથી તો આપણે દુઃખી નહિ થઈએ.
ગમે તેવા સંકટ પડે પણ જો આપણે ધર્મ ચુકતા નથી તો આપણે દુઃખી નહીં થઈએ.
લાખ મુશ્કેલીઓ આવે પણ જો આપણે સારા મિત્રોના સંપર્કમાં હોઈએ તો આપણે એ મુસીબતમાંથી ઉગરી જઈશું.
અને ગમે તેવા સંજોગો આવે પણ જો આપણી જીવનસાથી આપણી સાથે હાથમાં હાથ રાખીને ઉભી હોય તો એ મુસીબત પણ આપણું કાંઈ ના બગાડી શકે માટે એમ લખ્યું છે કે
मेरी खुशियां ही ना बाटे,
मेरे गम भी सहना चाहे..
જે માત્ર ખુશીઓ પૂરતો જ સાથે ના હોય પણ આપણા દુઃખમાં પણ ભાગ પડાવે એનું નામ જ જીવનસાથી… અને આ ઉપરાંત જ્યારે વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે ત્યારે એના માટે બધું સમાન થઈ જાય છે.સુખ – દુઃખ,હાસ્ય-આંસુ આ બધું એના માટે સરખું હોય છે.કોઈકે સાચું જ કહ્યું છે કે
હસવું ગમે છે, રડવું ગમે છે,
આ પ્રેમ છે,એમાં પડવું ગમે છે.
આમ જ્યારે પ્રેમ થાય ત્યારે આપણા માટે બધું સરખું થઈ જાય છે.સોનુ અને માટી બધું એકસરખું લાગે છે.પ્રેમ આપણને ભેદ દ્રષ્ટિમાંથી મુક્ત કરે છે.આપણી નજરમાંથી ભેદ નો ભ્રમ દૂર કરે છે.
સાચો પ્રેમ એ જ છે જ્યાં કંઈ ભેદ ના હોય,જેના માટે બધું સમાન થાય ત્યારે જ પ્રેમ એની પુર્ણ કક્ષાએ પહોંચે છે.અને સાચો જીવનસાથી એ જ છે કે જેને મન વસ્તુ કરતા વ્યક્તિની કિંમત વધુ હોય અને એટલા માટે તો કવિએ લખ્યું કે,
देखे ना ख्वाब वो महलों के,
मेरे दिल में रहना चाहे
જેના માટે આપણાથી વધારે દુનિયાની કોઈ પણ વસ્તુ મહત્વ ના હોય એ જ સાચો જીવનસાથી અને એ જ સાચો પ્રેમ.
જેની સાથે હોય તો આપણને પણ કંઈક અલગ અનુભૂતિ થાય એનું નામ જ પ્રેમ અને આપણે એના કંઈક ખાસ છીએ એવો અનુભવ કરાવે એનું નામ જ જીવનસાથી અને આવા વ્યક્તિની સાથે આપણે આપણું જીવન સુખરૂપ પૂર્ણ કરી શકીએ અને માણી શકીએ.
તો આવા વ્યક્તિ પણ દુનિયામાં ઓછા જ હોય છે એટલા માટે લખાય કે ,
इस दुनिया में कौन था ऐसा,
जैसा मैंने सोचा था
માણસનું મન જ્યારે એવું કહી દે કે બસ મારે જે જોઈએ બધું તારા માં આવી જાય છે ત્યારે એવી ફીલિંગ આવે કે,
हाँ तुम बिलकुल वैसी हो,
जैसा मैंने सोचा था….
નવી યુગપત્રી સાથે ફરી મળીશું. આવતા શુક્રવારે……
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત