* યુગપત્રીઃ હાય ક્યાં ચીજ હૈ જવાની ભી..! *
મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે જોયુ કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતો પુરુષ પોતાની ભાવિ જીવનસંગિનીમાં કેવા ગુણો ઈચ્છે છે એના વિશે એક ગીતના માધ્યમથી વાત કરવી છે. તો હવે માણીએ એ ગીતને જેના શબ્દો છે.
चाँद सी मेहबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था,
हाँ तुम बिलकुल वैसी हो, जैसा मैंने सोचा था |
મિત્રો, ફિરાક ગોરખપુરીનો એક શેર છે કે,
रात भी नींद भी कहानी भी,
हाय, क्या चीज है जवानी भी |
માણસ યુવાનીમાં પગ મૂકે કે એના દિલ અને દિમાગમાં પ્રેમના પતંગિયા ઉડવા લાગે છે. કોઈના પ્રેમમાં પડવું એ વિશ્વની સૌથી સુંદર ઘટનાઓમાંથી એક છે અને એના કરતાં પણ જેને પ્રેમ કરતા હોય એની સાથે જીવન વિતાવવું એની એક અલગ જ મજા છે. પોતાનામાં થતા સાંવેગિક અને શારીરિક ફેરફારના લીધે વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે.
દરેક વ્યક્તિના મન અને મગજમાં પોતાના પ્રિય પાત્ર વિશે એક કલ્પના ચાલતી હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈપણ માણસ લગ્નગ્રંથી જોડાય એટલે ધીરે ધીરે એકબીજા પ્રત્યેનો પ્રેમ ઘટવા લાગે છે, કારણકે નજીક હોવાના લીધે એક-બીજા પ્રત્યેનું આકર્ષણ લગભગ જતું રહ્યું હોય છે. રોજિંદા જીવનમાં એટલા ગૂંચવાઈ જવાય છે કે લગ્ન પહેલા કરેલી વાતો પણ વિસરાઈ જવાય છે. ત્યારે આ ગીતમાં એવું કહેવા માગે છે કે પત્ની તો આજીવન પ્રેમિકા છે અને એ પ્રેમિકા કેવી હોવી જોઈએ…!? તો કે એક ચાંદ જેવી.. જેવી રીતે ચાંદ શીતળતા આપે છે એમ આપણું પ્રિય પાત્ર પણ આપણને આ દુનિયાના આકરા તાપમાં ઠંડક અપાવે એવું હોવું જોઈએ. જેનો ચહેરો જોવાથી આપણા આખા દિવસનો થાક ઉતરી જતો હોય, જેના હસવાથી આપણા ગાલમાં ખાડા પડતા હોય એવી વ્યક્તિ આપણાં જીવનને નંદનવન બનાવી શકે છે.
કોઈપણ વ્યક્તિ પોતાની અર્ધાંગિની પાસે પણ એવી જ આશા રાખતો હોય કે એની પત્ની આ જીવનની તડકી છાંયડીમાં એની સાથે હોય, એને હિંમત આપે અને માત્ર શુષ્ક હિંમત નહિ પણ પ્રેમની હૂંફ પણ આપે. આપણને એમ થાય કે ચાંદ સી મહેબુબા એટલે શું..!? જેવી પુનમની ચાંદનીના અજવાળામાં આપણે કોઈપણ રસ્તો આરામથી કપાઈ શકે છે, થાક લાગતો નથી એવી રીતે જ આપણા જીવનમાં પણ એવી એક વ્યક્તિ હોય છે કે જેની સાથે આપણે જિંદગીનો સફર આરામથી કપાઈ શકે છે. એવી વ્યક્તિ એટલે જીવનસાથી. જેની સાથે હોવા માત્રથી આપણા જીવને ટાઢક વળતી હોય એવી વ્યક્તિ સાથે આપણે જીવનને માણી શકીએ છીએ અને જ્યારે આવી કોઈ વ્યક્તિ આપણને મળી જાય ત્યારે આપણા મનમાંથી એક અવાજ આવે કે.
हाँ तुम बिलकुल वैसी हो, जैसा मैंने सोचा था
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત