મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે કોઈ વ્યક્તિનો સાથ આપણને સુરક્ષા, સહજતા અને સફળતા આપે છે. પ્રિય પાત્રના સથવારે આપણે જીવનની ધન્યતાને અનુભવી શકીએ છીએ,જીવનની પુર્ણતાને અનુભવી શકીએ છીએ. હવે જોઈએ આગળ.
આમ પણ જ્યારે કોઈ આપણા જીવનમાં પ્રવેશે છે ત્યારે આપણું જીવન એક ઉત્સવ બની જાય છે. સાચા અને સારા વ્યક્તિનો સાથ આપણને નસીબમાં હોય તો જ મળે છે. અને એમાં પણ એ વ્યક્તિ આપણો હાથ એના હાથમાં ઝાલીને, આપણા કદમથી કદમ મિલાવીને ચાલવાનો નિર્ણય લે છે ત્યારે આપણે એક અખંડ આનંદનો અનુભવ કરીએ છીએ.જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ આપણો હાથ ઝાલે છે ને ત્યારે આપણે દુનિયા સામે ક્યારેય હાથ નથી જોડવા પડતા.આપણને એના સાનિધ્યમાં એક અલગ જ શક્તિનો અનુભવ થાય છે કે આપણે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ બની જઈએ છીએ.
જે ક્ષણે આપણો હાથ એના હાથમાં હોય એટલે બધુ મંગળ જ થવા લાગે છે,સર્વે શુભ જ થવા લાગે છે.આપણી અને એની હસ્તરેખાઓ મળીને બધા ચોઘડિયા બદલી નાખે છે માટે જ કોઈએ કહ્યું છે ને કે,
તમે ખાલી મારો હાથ તો પકડો,
સમય આપ મેળે સારો થઇ જશે..
પ્રિય વ્યક્તિની હાજરીમાં આપણને બધું પૂર્ણ જ લાગે છે,કોઈ જાતનો અભાવ આપણને લાગતો નથી,એના વ્હાલથી ભરપુર હૃદયની સામે આપણને દુનિયાની બધી દોલત તુચ્છ લાગે છે. સર્વ અભાવોની વચ્ચે પણ આપણે બધું જ ભર્યુ ભાદર્યું લાગે છે,કોઈ જાતના દુન્યવી સુખોની કામના માત્ર સાકાર થઈ ગઈ હોય એવું લાગે છે બસ ગમતી વ્યક્તિ જો આપણી પાસે હોય, એનો સહવાસ આપણને મળ્યો હોય.
આપણું પ્રિય વ્યક્તિ આપણો હાથ પકડીને આપણને સારા અને સાચા માર્ગ પર લઈ જાય છે, આપણા સફળતાનાં માર્ગને એ પોતાના પ્રેમ અને હુંફથી ઝળહળા રાખે છે પરિણામેં મંજીલ સુધીની યાત્રા કરવામાં આપણને થાક નથી લાગતો અને આપણે આપણી જીવનયાત્રામાં આનંદ અનુભવીએ છીએ માટે એવું લખાય કે,
तेरा साथ है तो मुझे क्या कमी है,
अंधेरो से भी मिल रही रोशनी है.
જ્યારે આપણી પાસે આપણા ગમતા વ્યક્તિઓ હાજર હોયને ત્યારે આપણી બધી ઈચ્છાઓ શમી જાય છે અને આપણે પુર્ણ સંતોષને પામીએ છીએ.આપણી પાસે કંઈ ન હોવાના દુખ કરતા આપણે જે વસ્તુ હાજર છે એનો આનંદ માણતા શીખીએ છીએ.આપણે દુઃખના કાળા ડિબાંગ વાદળોની વચ્ચે પણ આશાનું કિરણ જોઈ શકીએ છીએ ક્યારે તો કે જ્યારે કોઈ આપણો હાથ પકડીને આપણને કહે કે, ” કાંઈ વાંધો નહિ આપણે લડી લઈશું..” બસ આટલા શબ્દો જ દુનિયાની મુસીબતોના સાગરમાં ઝઝૂમતા વ્યક્તિ માટે life boat સમાન હોય છે.એની વાણી આપણને મોટીવેટ કરે છે,એનો સ્પર્શ આપણા માટે મલમનું કાર્ય કરે છે અને એનું સાનિધ્ય આપણા માટે બુસ્ટરનું કામ કરે છે.માટે એવું લખાય કે,
कुछ भी नहीं है तो कोई गम नहीं है,
हर एक बेबसी बन गयी चांदनी है..
વધુ આવતા શુક્રવારે
.
Collumnist :- યુગ અગ્રાવત