મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે મિત્રતા વિશે વાત કરી, હવે માણો ગીત तेरा यार हु मैंને એક અલગ જ અંદાઝ માં…
तू जो रूठा तो कौन हंसेगा,
तू जो छूटा तो कौन रहेगा,
तू चुप है तो ये डर लगता है,
अपना मुझको अब कौन कहेगा,
तू ही वजह..
तेरे बिना बेवजह बेकार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
મિત્રતામાં બે વસ્તુ તો જોઈએ જ, એક રસ અને બીજું રિસાવું. જ્યારે આપણા વિચારોમાં રસ અને રુચિ ધરાવતા વ્યક્તિ આપણી સંપર્કમાં આવે ત્યારે મિત્રતાની શરૂઆત થઈ જાય છે અને જો તમારો મિત્ર ક્યારેય તમારાથી રિસાતો નથી તો સમજવું કે આપણી મિત્રતામાં હજી ક્યાંક કચાશ છે, કારણકે જ્યાં હક છે ત્યાં આપણે રીસ કરતા હોઈએ છીએ. મિત્રનું રિસાવું અને અન્યના રીસાવામાં ફેર છે. અન્યના રીસમાં ખીજ હોય છે જ્યારે મિત્રની રીસમાં પ્રીત હોય છે,અન્ય રીસાય તો આપણી પર ગુસ્સો કરે જ્યારે મિત્ર રીસાય તો એ હસે કે,“હા.! મારો બેટો હવે ખરો લાગમાં આવ્યો છે. એટલે પહેલી લીટીમાં લખે કે,
तू जो रूठा तो कौन हंसेगा,
કે દોસ્ત તું જો રીસાઈ જઈશને તો આ દુનિયા મારાથી રીસાઈ ગઈ હોય એવું લાગશે. પછી મારી સામે હસશે કોણ..!? માટે આવી ખોટી રીસ નહિ કરતો અને,
तू जो छूटा तो कौन रहेगा,
હા,અમુક મિત્રો આપણા જીવનના એવા ભાગ બની જાય ને કે આપણને એમ થાય કે જો આ જતો રહેશે ને તો જીવનમાં એવી ખાલી જગ્યા પડી જશે કે એને કોઈ પુરી નહીં શકે અને આવી લાગણી થાય એ સ્વાભાવિક છે, કારણકે જેની સાથે આપણે આપણી જિંદગીના સોનેરી દિવસો વિતાવ્યા હોય એ વ્યક્તિ જતો રહે તો આપણને કૈક ખૂંચે તો ખરાં જ.
જેની એક ચોકલેટના બે ભાગ કરીને વહેંચીને હોય એ મિત્ર જાય તો દુઃખ તો થાય જ ને..!
જેની સાથે હાથમાં હાથ લઈને તળાવમાં કુદકા માર્યા હોય એ મિત્ર જાય તો દુઃખ તો થાય જ ને…!
જેની સાથે નિશાળમાં જીવનનો એકડો ઘૂંટતા શીખ્યા હોય એ મિત્ર જાય તો દુઃખ તો થાય જ ને…!
જેની સાથે માત્ર ચા જ નહીં પણ વિચાર પણ શેર કર્યા હોય એ મિત્ર જાય તો દુઃખ તો થાય જ ને…!
આવા મિત્રો જાય પછી જીવનમાં બાકી શું રહે…!? એટલે બીજી લીટીમાં લખ્યું છે કે,
तू जो छूटा तो कौन रहेगा,
આવો જીગરજાન મિત્ર જો ચૂપ હોય તો ડર લાગે.કારણકે દોસ્તીનું નામ જ છે વાતો, ઢગલાબંધ વાતો. જે મિત્રો વચ્ચે બહુ વાતો થતી નથી એમના સંબંધો માત્ર ઔપચારિકતા પૂરતા જ હોય છે, કારણ કે જેને આપણે દિલથી ખાસ માનતા હોઈએ ને એ વ્યક્તિ પાસે તો આપણે જાણે ઠલવાઇ જતા હોઈએ છીએ. આપણે જેની સાથે બધી વાતો શેર કરી શકતા હોય એ વ્યક્તિ જો ચૂપ થઈ જાય તો આપણને ધ્રાસકો લાગે કે આ શું થઈ રહ્યું છે..?
મિત્રો સાથે વાતો કરવા તો રાતો પણ ટૂંકી પડે. કોલેજની ત્રણ વર્ષનો ઇતિહાસ આપણને ત્રણ કલાકની ફિલ્મની જેમ યાદ હોય છે. જેની સાથે બેસીને અઢળક વાતો કરી હોય એવો જીગરી જ્યારે ચૂપ થઈ જાય તો આંચકો તો લાગે જ ને…એટલે તો લખે ને…
तू चुप है तो ये डर लगता है,
अपना मुझको अब कौन कहेगा,
આવા મિત્રો આપણા અસ્તિત્વના ભાગ છે મિત્રો વિનાની મોજ નકામી છે. તમે ગમે એટલી સિદ્ધિઓ મેળવો પણ જો એ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે તમારી પાસે મિત્રો નથી તો એ સિદ્ધિઓ કાંઈ કામની નથી, માટે છેલ્લી લીટીમાં લખે કે,
तू ही वजह..
तेरे बिना बेवजह बेकार हूँ मैं,
तेरा यार हूँ मैं,
तेरा यार हूँ मैं,
અને આવા મોજીલા મિત્રો હોય તો એમને ગળે મળીને,પીઠમાં એક ધબ્બો મારીને કહેવાનું મન થાય કે…
तेरा यार हूँ मैं…..
વધુ આવતા શુક્રવારે……
કોલમિસ્ટઃ- યુગ અગ્રાવત