મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે સમય ગમે તેવો ખરાબ હોય પણ આપણો સથવારો જો મજબુત હોય તો ગમે તેવી મુશ્કેલી સરળ થઈ જાય છે. હવે જોઈએ આગળ,
હા,જ્યારે આપણુ પ્રિય પાત્ર આપણી સાથે હોય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ પણ સરળ લાગે છે,
હા, જે સાથે હોય તો પહાડ જેવી મુશ્કેલીઓ પણ સાવ હળવી ફૂલ લાગે એનું નામ જીવનસાથી. હા, જેનો હાથ પકડીને આપણે આગ ઝરતી કેડી પર પણ પગલાં માંડી શકીએ એનું નામ જ સાથી. જેના આપણી સાથે હોવા માત્રથી આપણે શીળી શીળી પવનની લહેરખી આવે એનું નામ જ સાચો સાથી. જે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં આપણને હિંમત આપે એનું નામ જ સાથી માટે જ લખાયું છે કે,
हर इक मुश्किल सरल लग रही है
એના સાનિધ્યમાં ગમે એવી મોટી મુશ્કેલીઓ પણ સરળ લાગવા લાગે અને જ્યારે આપણને એવું પાત્ર મળી જાય ત્યારે આપણી સઘળી આશાઓ ને તૃષ્ણાઓ બધી સંતોષાઈ જાય છે એવું બસ એક પાત્ર મળી જાય ને એટલે આખી જિંદગીની લાગણીની તરસ છીપાઈ જાય કારણકે એ આપણને પ્રેમના ઘુંટ પાયા જ કરે છે અને જ્યારે આવું થાયને ત્યારે આપણો લોભ નાશ પામે છે. આપણે આ દુનિયાની ભૌતિક વસ્તુઓ તરફ મેળવવા માટે ભાગાભાગ નથી કરવી પડતી. કારણકે આપણા માં જન્મે છે પુર્ણ સંતોષ અને આ સંતોષના પરિણામે જ આપણને બધે બધું અનુકૂળ જ લાગે છે.માટે એવું લખાય કે,
मुझे झोपडी भी महल लग रही है
હા,જે આપણી સાથે હોય એટલે ચાર દીવાલોની વચ્ચે પણ આપણું આખું સામ્રાજ્ય ફેલાયેલું લાગે એનું નામ સાથ છે. અને જ્યારે આવો શિળો સથવારો મળેને ત્યારે ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ આપણી આંખમાંથી એક આંસુનું ટીપુંય ના પડે હો કારણકે આપણી આંખો પર તો એના શ્વાસ ટક્યા હોય છે. આપણું ગમતું વ્યક્તિ એ છે કે જે આપણી આંખની ભીનાશને વરતી શકે છે.જે વ્યક્તિ આપણી આંખમાં જોઈને કહી શકે કે એમાં હરખ છલકાય છે કે શોક ડોકાય છે સમજવું એ મન,વચન અને કર્મથી આપણને વરી ચુક્યા છે. અને આવું ત્યારે જ શકય બને જ્યારે એણે આપણને એનું સર્વસ્વ અર્પણ કરી દીધું હોય. પરિણામેં જે આપણને એનું સર્વસ્વ સમજતું હોય એની સામે અને એ સાથે હોય ત્યારે આપણી આંખમાં આંસુ કેમ આવે….!??? અને માટે એવું લખાય કે,
इन आँखों में माना नमी ही नमी है,
હા, કદાચ એવું બને કે મુસીબતો સામે ઝીક ઝીલતા ઝીલતા એનો થાક આપણી આંખમાં દેખાય પણ ખરો પણ જ્યારે આપણાં પ્રિય પાત્રની સાથે આપણે નજર મેળવીએ ને એટલે એ બધો થાક જાણે હિમાલય માંથી બરફ ઓગળીને ગંગાની જેમ વહે ને એમ ઓગળી જાય અને ફરી પાછા આપણામાં જુસ્સો પુરાઈ જાય,આપણી બેટરી ચાર્જ થઈ જાય.અને આવી આંખો માટે તો રાહત ઈન્દોરી સાહેબ એવું લખે કે,
उसकी कत्थई आँखों में हैं जंतर मंतर सब,
चाक़ू वाक़ू, छुरियां वुरियां, ख़ंजर वंजर सब.
जाने मैं किस दिन डूबूँगा, फिक्रें करते हैं,
दरिया वरीया, कश्ती वस्ती, लंगर वंगर सब.
હા, કે એની કથ્થઈ આંખોમાં જાદુ છે,જંતર-મંતર છે,એની કથ્થઈ આંખો જાણે કે તિર અને ભાલાની જેવી કાતિલ છે અને એ આંખોમાંથી એવો તો શું જાદુ છે કે એમાં એક વાર જોઈ લીધા પછી આ દુનિયા,આ દરિયો પણ વિચાર કરે કે આ ડૂબતો કેમ નથી…!? પણ એને ક્યાં ખબર હોય કે એની કથ્થઈ આંખો માંથી એને પ્રેરક બળ મળ્યું છે એ બળ પ્રેમનું બળ છે.અને ઇતિહાસ સાક્ષી છે કે જેને પ્રેમનું બળ મળ્યું છે એ ક્યારેય ડૂબ્યા નથી પણ તરીને સામે કાંઠે પર ઉતર્યા છે. માટે એવું લખાય કે,
मगर इस नमी पर ही दुनिया थमी है |
અને આવી પ્રેમ ભરેલી આંખો વાળી અને આપણાં જીવનને નવા જોમ અને જુસ્સાથી ભરવાવાળી વ્યક્તિ જ્યારે આપણા જીવનમાં આવે ને ત્યારે આપણે એનો હાથ આપણા હાથમાં લઈને એક વાર તો કહેવું જ પડે કે…
तेरा साथ है तो मुझे क्या कमी है
अंधेरो से भी मिल रही रोशनी है
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત