મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું હતું કે જીવનને સહજ રીતે જીવવા માટે આપણે કામ,ક્રોધ,લોભ ઇત્યાદિના કાળ બદલવા જોઈએ. હવે જોઈએ આગળ….
ગઈકાલે સમગ્ર વિશ્વમાં પ્રેમના પર્વ એટલે કે વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ. આમ તો પ્રેમ દર્શાવવા માટે કોઈ એક ખાસ દિવસની જરૂર નથી હોતી. કારણકે,
मेरे लिए ये दिन खास नही,
खास तो तुम हो सिर्फ तुम।
જ્યારે માણસને પ્રેમ થાય છે ને પછી ઓટોમેટિક એના બધા દિવસો ખાસ બની જતા હોય છે. પણ આ તો પોતાના પ્રેમનો એકરાર કરવા માટેનો દિવસ છે. આપણા રોજબરોજના વ્યસ્ત જીવનમાંથી એક આખે આખો દિવસ એને અર્પણ કરવાનો અવસર એટલે વેલેન્ટાઇન ડે. આપણા જીવનમાં ઘણા બધા એવા માણસો છે જે આપણને નિસ્વાર્થ પ્રેમ કરે છે. જીવનમાં એવા માણસો ખુબ ઓછા મળે છે કે જે માત્ર આપણને પ્રેમ કરી શકે. એમને એના પ્રેમના બદલામાં બીજુ કાંઈ જોતું નથી હોતું. એમના જીવનનો બસ એક જ હેતુ હોય છે અને એ છે બસ પ્રેમ કરવો. પોતે ખાલી થઈને બીજાના જીવનને ખુશીઓથી ભરી દેવા માટે હિંમત જોઈએ. અને આ દુનિયામાંથી એવા માણસો મળવા મુશ્કેલ છે. આ એવી વ્યક્તિ હોય છે કે જે પુરા દિલથી આપણને ચાહતી હોય છે.એના રોમ રોમ માં બસ આપણું સ્મરણ હોય છે. એનું સમગ્ર વિશ્વ એક માણસમાં ઢળી જાય છે. એની ખુશી એ આપણી ખુશી અને એનું દુઃખ એ આપણું દુઃખ બની જાય છે. જેવી રીતે એકવાર મીઠું પાણીમાં ઓગળી જાય પછી પાણી અને મીઠાને અલગ કરવા મુશ્કેલ છે એવી જ રીતે કોઈ વ્યક્તિ આપણામાં એટલી હદે ઓગળી જાય કે એને આપણાથી અલગ વિચારી જ નથી શકતા ત્યારે એવું લખવું પડે કે,
चाहे जो तुम्हें पूरे दिल से
मिलता है वो मुश्किल से
અને જ્યારે કોઈ વ્યક્તિ એવું મળી જાય કે જેના હૃદયની ધડકનમાં બસ આપણું જ નામ આપણને સાંભળવા મળતું હોય ત્યારે એ વ્યક્તિને બહુ સાચવીને રાખવી જોઈએ કારણકે આપણા પદ,પ્રતિષ્ઠા અને પૈસા જોઈને તો ઘણા લોકો આપણાથી પ્રેમ કરતા થઈ જશે પણ અમુક લોકો જ એવા હોય છે જે આપણી અંદર રહેલી સુંદરતાને જોઈ શકતા હોય છે અને જે વ્યક્તિ આપણી આંતરિક સુંદરતાને પ્રેમ કરતી હોય એને આપણે સાચવીને રાખવી જોઇએ.આપણા માટે એનાથી વિશેષ વ્યક્તિ બીજી કોઇ ના હોઈ શકે માટે જ એવું લખવું પડે કે,
ऐसा जो कोई कहीं है
बस वो ही सबसे हसीं है.
અને જ્યારે આપણા જીવનમાં એવું વ્યક્તિ આવે ને ત્યારે એનો હાથ આપણે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં પકડી રાખવો જોઈએ.સુખ હોય કે દુઃખ હોય આપણે એનો હાથ અને સાથ છોડવો ના જોઈએ. કારણકે આ ક્ષણિક જીવનમાં ફરી પાછા એ વ્યક્તિ મળે કે ના મળે એનું કાંઈ નક્કી નથી હોતું માટે એવું લખવું પડે કે
उस हाथ को तुम थाम लो
वो मेहरबाँ कल हो न हो
हर पल यहाँ…
વધુ આવતા શુક્રવારે….
- કોલમિસ્ટ :- યુગ અગ્રાવત