કવિ રાજેન્દ્ર શાહના એક ગીત ‘ ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર.! ‘ એની એક પંક્તિ છે કે
‘ કોકડું છે પણ રેશમનું,એનું ઝીણું વણાય દુફૂલ ‘
મારે પણ એક એવા જ રેશમના કોકડા વિશે વાત કરવી છે કે જેને જેમ ખોલતા જઈએ ને પેલા રેશમના કોકડાને જેમ ખોલતા જઈએ અને સુવાળું સુવાળું લાગે એમ આ કોકડાને પણ જો ખોલતા જઈએ ને તો સુવાળું સુવાળું લાગે,આનંદ આવે અને એકવાર એ ખુલી ગયું પછી તો પરમાનંદ પામીએ.એવું જ કોકડું એટલે જીવનનું કોકડું.
સૌપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે જીવન એટલે શું.!? જીવન એટલે માત્ર વર્ષો, મહિનાઓ, દિવસો કે કલાકો નહીં, જીવન એટલે તો ચેતનવંતી અનેક ક્ષણોની અનુભૂતિ.
જીવનને કોઈકે રસ્તો કહ્યું છે ‘ એક રસ્તા હૈ જિંદગી..’ તો કોઈકે ઉખાણું કહ્યું છે- જિંદગી કૈસી હૈ પહેલી હાયે ! અને જે.કૃષ્ણમૂર્તિએ જીવનને pathless path કહ્યો છે. એટલે કે માર્ગ મુક્ત માર્ગ.આમ અલગ અલગ લોકોના મતે જિંદગીની અલગ અલગ વ્યાખ્યા છે.જો હું કહું તો મને વહન એ જીવન લાગે છે. જાતુશ જોષી એમ લખે કે
” કોઈએ નદીને પુછ્યું કે જીવનનું રહસ્ય શુ છે.!
એ કંઈ બોલી નહિ બસ ખળખળ વહેતી રહી.”
વહન એ જીવન છે. પોતાની જાતમાં સતત સુધારો કરતા રહેવું એ જીવન છે. અત્યારે અપડેટની ફેશન છે.પોતાની જાતને સતત અપડેટ રાખવી એનું નામ જીવન છે.
આપણને એમ થાય કે તો પછી જીવન જીવવાની શ્રેષ્ઠ રીત કઈ..!? આના જવાબને સમજાવવા માટે હું એટલું જ કહીશ કે જો તમને બધાને હું કોઈ મીઠી ચીજ ચખાડું અને પછી એમ પુછુ કે એનો સ્વાદ તમને કેવો લાગ્યો તો તમારા બધાના જવાબ અલગ અલગ હશે.! કોઈ કહેશે એ ખાંડ જેવું ગળ્યું છે,કોઈ કહેશે એ મધ જેવું ગળ્યું છે તો કોઈ કહેશે કે ગોળ જેવું ગળ્યું છે. જીવન જીવવાની રીત પણ કંઈક આવું જ છે.જીવન જીવવા માટેની કોઈ એક જ શ્રેષ્ઠ રીત નથી હોતી. મજૂર થી માંડીને મેનેજર દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ હોય છે.અને તે રીતને તેઓ શ્રેષ્ઠ જ માનતા હોય છે.
પણ મારું માનવું એવું છે કે જીવન જીવવાની કોઈ શ્રેષ્ઠ રીતના શોધવી જોઈએ. પણ કોઈ એક રીતને લઈને જીવન જીવવું જોઈએ કે જેથી આગળ જતાં એ રીત જીવનની શ્રેષ્ઠ રીત તરીકે ઉપસી આવે.
અને જો મને પુછવામાં આવે કે જીવન કઇ રીતે જીવવું જોઈએ તો મારુ કહેવું છે કે જીવન સહજ રીતે જીવવું જોઈએ.ગીતાના ગાનાર શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે उत्तमा सहजावस्था । સહજ અવસ્થા જ ઉત્તમ છે. અને જ્યારે કોઈ માણસ શ્રેષ્ઠ રીતે જીવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે સહજ રીતે જીવી નથી શકતો કારણકે પ્રયાસ માત્ર માણસને અસહજ બનાવે છે.
તો મારે પણ હવેની યુગપત્રીમાં વાત કરવી છે કે જીવન સહજ કઈ રીતે જીવી શકાય અને એ માટે મેં પસંદ કર્યું છે ફિલ્મ કલ હો ના હો નું ટાઇટલ સોન્ગ – કલ હો ના હો.શંકર અહેસાન લોય એ આ ગીત કમ્પોઝ કર્યું છે,સોનુ નિગમેં ગાયું છે અને ગઈ કાલે એટલે કે 17/1/2019ના રોજ જેમનો જ દિવસ હતો એવા જાવેદ અખ્તર સાહેબની કલમે લખાયેલું છે.
જો હજી સુધી આ ગીત તમેં નથી સાંભળ્યું તો આજે જ યુટ્યૂબમાં જઈને જોઈ અને સાંભળી લો.
ફરી મળીએ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત