* યુગપત્રીઃ ગુરુ સાથે શિષ્યના જોડાણની વાત *
મિત્રો,ગયા શુક્રવારે આપણે જોયું કે ગુરુ આપણને દ્રષ્ટિ આપે છે એટલે આપણને સ્વ સુધી પહોંચવાની સાધનામાં ઉપયોગી એવી વસ્તુઓ જેવી કે આ ધરતી, નદીઓ, રાત અને સદગુરુ પોતે આમ બધા વ્હાલા લાગે છે. હવે જોઇએ આગળ.
બીજા અંતરમાં કવિ લખે છે કે,
हम तुम कितने पास हैं, कितने दूर हैं चाँद सितारे,
सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे,
मगर सच्चे लगते हैं, ये धरती, ये नदिया, ये रैना और तुम…
આ અંતરામાં વાત કરે છે ગુરુ સાથે શિષ્યના જોડાણની. એકવાર માણસ ભાવથી કોઈ સાથે જોડાય છે પછી એમની વચ્ચે ગમે એટલું અંતર હોય પણ એકબીજાનું સામીપ્ય સદા અનુભવી શકાય છે. એવી જ રીતે ગુરુ શિષ્યને એકવાર મળે પછી ગુરુ અને શિષ્ય બન્ને એક બીજા વગર નથી રહી શકતા. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ વિના શિષ્યનું મન જળ વિનાની માછલીની જેમ તડપી ઉઠે છે અને સામા પક્ષે ગુરુની પણ આવી જ હાલત હોય છે. વિવેકાનંદજીના જીવનચરિત્રમાં આ બાબતનો દાખલો જોવા મળે છે. તેઓ જણાવે છે કે એકવાર દક્ષિણેશ્વરમાં ઠાકુર રામકૃષ્ણ પરમહંસને મળ્યા પછી વારે વારે એમને મળવા જવાની ઈચ્છા થતી અને સામાં પક્ષે રામકૃષ્ણ પરમહંસ પણ વિવેકાનંદની રાહ જોતા, જ્યાં સુધી એ આવે નહિ ત્યાં સુધી ઠાકુરને શાંતિ ના મળતી. આમ સદગુરુ અને શિષ્ય મનથી એટલા નજીક આવી જાય છે કે જાણે એમને એવુ લાગે છે કે તેઓ આ ચાંદ અને તારા કરતા પણ વધુ નજીક છે. ગુરુ અને શિષ્ય વચ્ચે એક એવો મજબૂત સબંધ સ્થપાય છે કે જ્યાં દ્વાર અને દિવારના ભેદ નથી રહેતા.
સુક્ષ્મ રીતે સતત એક બીજાના નજીક હોવાની અનુભૂતિ થવા લાગે છે માટે એવું લખાય કે,
हम तुम कितने पास हैं, कितने दूर हैं चाँद सितारे,
શિષ્ય કહે છે કે હે ! સદગુરુ હું અને તું એટલા નજીક છીએ જેટલા આકાશમાં ચાંદ અને તારા નજીક છે.આપણને એમ થાય કે કેમ ચાંદ અને તારા જેટલા જ નજીક….!? તો એનો જવાબ ગુરુ કૃપાથી મને એવો સુજે છે કે આકાશમાં તો લાખો તારા છે પણ એમાંથી જે તારા ચાંદની નજીક હોય એ તારા તરત આપણુ ધ્યાન ખેંચે છે. ચંદ્રના અજવાળામાં અમુક તારા તરત આપણી નજરમાં આવે છે એમ આ લાખોની જન સંખ્યામાં એવા લોકો કે જે સદગુરૂની નજીક પહોંચે છે એ લોકો અન્યનું ધ્યાન ખેંચે છે. સદગુરૂની નજીક રહેવાથી શિષ્યનું જીવન પ્રકાશી ઉઠે છે, શિષ્યમાં એક ઓજસ આવે છે, એના વિચારોમાં એક તેજ આવે છે અને એને સત્યનું જ્ઞાન થાય છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા શિષ્યને ખ્યાલ આવે છે કે આ સ્થૂળ જગતમાં જે કાંઈ છે એ માયા આવરણથી ઢંકાયેલું છે, સત્ય તો ગુરુની છાયામાં છે. ગુરુના સાનિધ્યમાં આપણને સત્યની પ્રાપ્તિ થાય છે અને આપણને ખ્યાલ આવે છે કે જગતમાં જે સ્થૂળ દેખાય છે એ બધું સાચું નથી, એ તો બહુરૂપીની જેમ ખાલી સુખનું મહોરું પહેરીને ઉભેલા દુઃખો છે. માટે એવું લખાય કે,
सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे,
ગુરુની છાયામાં આપણને એ વાતનું જ્ઞાન થાય છે કે આ જગતમાં આનંદ એ સ્થૂળ વસ્તુઓમાં છુપાયેલો નથી, આનંદ તો આપણા માં રહેલો છે.જે કાંઈ દુન્યવી વસ્તુ છે એ બધી તો ખોટી છે, ભ્રમ માત્ર છે. સત્ય તો આપણી ભીતર છુપાયેલું છે, આનંદ તો આપણી ભીતર છુપાયેલો છે. પણ સવાલ થાય કે એ સત્યને પ્રગટ કઈ રીતે કરવું..!?, એ આનંદને પામવો કઈ રીતે..?! તો એનો જવાબ છે સાધના દ્વારા. આપણા આ ચંચળ મનને સતત સાધનાથી દુઃખો આપતી વસ્તુઓમાંથી ખેંચીને પરમસુખનું ધામ એવા સદગુરુના ચરણોમાં કેન્દ્રિત કરવું. મનને ત્યાં કેન્દ્રિત કરવા માટે કે વસ્તુઓની જરૂર પડે એ વસ્તુઓ તો કોને ના ગમે…!? અને એ વસ્તુઓ એટલે જ
मगर सच्चे लगते हैं, ये धरती, ये नदिया, ये रैना और तुम…
હા, કોઈ નદીને કાંઠે કે શાંત વાતાવરણમાં આસન જમાવીને, રાત્રીની નીરવ શાંતિમાં સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું એ જ આનંદ પામવાનો એક માત્ર રસ્તો છે.
વધુ આવતા શુક્રવારે…..
Columnist: યુગ અગ્રાવત