તમે થાકશો, પણ હું નહિ…   

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

સુમનબેનને તેમના દીકરા મનોજે લવમેરેજ કરેલું તે સહેજેય ગમેલું નહિ. એકનો એક દીકરો હતો, પતિ અવસાન પામેલા હતા એટલે ખૂબ લાડકોડ અને અરમાનો સાથે મોટા કરેલા મનોજ માટે પોતાની ઇચ્છા મુજબની જ વહુ લાવવી હતી પણ મનોજે તેમની ઇચ્છા વિરુધ્ધ તલ્લિકા સાથે ભાગી જાઇને લગ્ન કરી લીધું હતું એને લીધે એમને તલ્લિકાપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો…

— “ એણે જ કામણ કરી મારી છોકરાને ફસાવ્યો છે..”

— “ મારે તો મનોજને રંગે ચંગે પરણાવવો હતો પણ એ બલાએ શું જાદુ કરી દીધો તે મને કશી ગંધ પણ ન આવવા દીધી !! “

— “ સમાજમાં મારે તો મોંઢુ બતાવવા જેવું ય નથી રહ્યું, ખેર એ તો હું એને જોઇ લઇશ..”

આવું બધુ એ વિચાર્યા કરતાં.દીકરાના પ્રેમ લગ્ન પાછળ એ દીકરાને નહિ પણ વહુ તલ્લિકાને જ દોષિત માનતાં હતાં. ભાગી ગયેલા દીકરાનો ફોન આવ્યો તો એમણે એને સમજાવીને ઘરે બોલાવી તો લીધો, અરે એમણે મોંઢા ઉપર સ્મિત પણ  મનમાં ડંખ  રાખીને પોંખી પણ લીધાં પરંતુ વહુ તલ્લિકા એમને જરા ય ગમી ન હતી, એમનું મન એને વહુ તરીકે સ્વીકારવા તૈયાર જ થતું ન હતું. અને એ કારણે એ એના પ્રત્યે નારાજ રહેવા લાગ્યાં. એ એમની નારાજગી છૂપાવવા માગે તો ય નારાજગી પ્રગટી જ જતી. !!!

— વહુની બનાવેલી રસોઇ જમ્યા પછી એમાં શું ખામી હતી તે કહ્યા વિના રહે જ નહિ.. ખામી હોય ને બતાવે તો તો ઠીક પણ કશી ખામી ન હોય તો પણ એમનું મોંઢુ જમતી વખતે બગડેલું જ રાખે.

— તલ્લિકાની મોડર્ન રીતે રહેવા કરવાની વાતમાં ય એમનો વાંધો જ હોય..

— દીકરો ને વહુ પિક્ચર જોવા જાય, રવિવારે ક્યાંક ફરવા જાય તો એ પણ એમને ન ગમે…

— મનોજ એમને હોટલમાં સાથે જમવા લઇ જવા કહે તો પણ એ ન જાય..

— બહારથી તલ્લિકા એમને માટે જમવાનું કશું ક પેક કરાવીને લાવે તો એ ન ખાવા માટે ગમે તે કારણ આપે ને પોતે રોટલી જાતે બનાવીને જ જમી લે..!!!!

મનોજ મમ્મીને આવું બધુ ન કરવા ને પ્રેમથી જીવન જીવવા સમજાવે પણ તો ય એતો તલ્લિકાનો વાંક જ કાઢે ને એવું બબડે કે..,

“ હશે ભઇ બધો વાંક મારા નસીબનો જ છે.. “ પછી પેલી વહુ તલ્લિકા સાંભળે એ રીતે બીજું કશું ક આડું અવળું પણ બોલે જતાં..

આમ ને આમ એકાદ વર્ષ નીકળી ગયુ… તલ્લિકા આ બધું સહન કરે જ જતી  હતી.. એની ધીરજ ગજબની હતી.. એવામાં કુદરતી એવું બન્યુ કે સુમનબેન એકવાર લપસી પડ્યાં તો જમણા થાપામાં ફેકચર થવાથી એમને બે મહિના પથારીમાં જ પડ્યા રહેવાનું આવ્યુ.. ડોક્ટરે ઓપરેશન કરીને સળિયો નાખવો પડેલો … હવે શું થશે ? એ તો થઇ ગયાં પથારીવશ !! ખરું  પૂછો તો આવી અચાનકની બિમારીની તો એમણે કલ્પના પણ નહોતી કરેલી…

પરંતુ આ દરમિયાન એમની વહુ તલ્લિકાને એમની સેવા કરવાની એવી તક મળી ગઇ કે એણે  એનો ભરપૂર લાભ લઇ લીધો.. આ વખતે તલ્લિકાએ લીધેલી કાળજીથી સુમનબેન તો રાજીના રેડ થઇ ગયાં, માંદગીનો ખાટલો આવ્યો ત્યારે તો એ બહુ જ ગભરાઇ ગયેલાં… એમને તો એમ હતું કે હવે આ વહુ સાથે કેવી રીતે રહેવાશે? એ કદાચ બદલો લેશે તો ? પરંતુ હકીકતમાં એમણે ધારેલું એવું કશું જ બન્યુ નહિ ,સગી દીકરી પણ કદાચ ન કરે તેવી સેવા તેમની વહુ તલ્લિકાએ કરી હતી. એટલે જ્યારે ડોક્ટરે એમને લાકડાની કે સ્ટીલની ઘોડી પકડીને તેના સહારે ધીમે ધીમે ચાલવાની છૂટ આપી ત્યારે એમણે વહુને કહ્યું પણ ખરું ,

“ અરે બેટા, મને તો થાય છે કે હજી ય બે મહિના વધારે ખાટલે પડી રહેવાનું હોત તો ય સારુ થાત … તારા જેવી સેવા કરનારી દીકરી જેવી વહુ હોય પછી મારે શેની ચિંતા ? “

તલ્લિકાએ ત્યારે એમને મોઢે તો કશું ન કહ્યું પણ મનમાં વિચાર્યું,

“ અરે મમ્મી,  તમે ભલે મારાથી નારાજ હતાં, ભલે તમે મને હેરાન કરતાં ગયાં.. પણ હું કંઇ એમ થાકીને હારી જાઉં એવી  ન હતી , મને તો ખબર જ હતી કે આમાં એક દિવસ તમે થાકી જશો પણ હું નહિ…”

 અનંત પટેલ      

 

Share This Article