મને તારી ધુન લાગી…
આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો,
વાતો માંય આવી જાય તારી સામે,
મારૂં નાં માને,
સપના હજારો મનમાં છે તોય,
ઍક તારા સપને ફસાયો જાણે,
રંગાયો જાણે,
તુ જાણે પતંગ છે ને હુ છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તુ કઇ કોર,
તુ જાણે પતંગ છે ને હુ છું કોઈ ડોર,
લઇ જાય લઇ જાય છે તુ કઇ ઓર,
બાજી જે હારી છે,પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ,
લાગી રે લાગી રે તારી ધુન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધુન લાગી રે,
મને ધુન લાગી તારી,તારી ધુન લાગી,
મને તારી તારી ધુન લાગી……
ગુજરાતી અર્બન ફિલ્મ લવની ભવાઈમા લાગણીસભર ગીત લેવામાં આવ્યુ છે. પ્રેમનો અનુભવ થાય પછી માણસનાં જીવનમાં કેવા કેવા રોમાંચક ફેરફાર થાય એનું ખુબ જ સરસ નિરૂપણ આ ગીતમાં કરવામાં આવ્યુ છે.
કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે માણસને પ્રેમ થાય એ કેવી રીતે ખબર પડે..!?
તો એનાં જવાબમાં માત્ર એટલું જ કહેવાનું મન થાય કે જે વ્યક્તિની આંખોમાં કાંઇક અલગ જ ચમક આવતી હોય એવું જણાય ત્યારે સમજવું કે એ માણસને પ્રેમ થયો છે. માણસને ઍકવાર પ્રેમ થાય એટલે એની નજર જ બદલાઇ જાય છે, એને બધુ વ્હાલું લાગવા લાગે,પ્રેમથી ભરેલી આંખોમા બધે પ્રેમના જ દર્શન થાય. અને એ આંખોમાં છુપાયેલો પ્રેમ જ્યારે પ્રિય પાત્ર નજીક આવે ને ત્યારે મનને ગમે એટલું રોકો પણ આંખોમાંથી એ પ્રેમ દેખાઇ જ આવે. માટે આ ગીતનાં પહેલા અંતરાની પહેલી લાઈનમાં એવું લખાય કે,
આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો,
વાતો માંય આવી જાય તારી સામે,
મારૂં નાં માને,
અને જેની આંખોમાં પ્રેમ હોય ને એની આંખોમાં સપના પણ હોય. એ સપના માત્ર એ પ્રિય પાત્ર સાથે જીવન જીવવાના ન હોય પણ એની સાથે જીવન માણવાનાં સપના હોય. જીવન જીવવું અને જીવન માણવું એ બન્ને વચ્ચે ઘણો ફેર છે. ઍક મા પ્રયત્નો કરવા પડે છે અને બીજામાં એ સાહજિક પ્રક્રિયા હોય છે.પ્રેમના રંગે રંગાયેલા માણસનાં બધાં સપનાઓ પછી ઍક વ્યક્તિની ઉપર આવીને અટકી જાય છે. એની સાથે બધા સપના વણાઈ જાય છે. અને આઠે પહોર બસ એનાં જ રંગમા રંગાયેલ રહે છે. માટે એવું લખાય કે,
સપના હજારો મનમાં છે તોય,
ઍક તારા સપને ફસાયો જાણે,
રંગાયો જાણે,
અને પછી લેખક પતંગ અને દોરીનો ઉલ્લેખ કરે છે. આપણને એવો સવાલ થાય કે કેમ આ ગીતમા કવિએ રૂપક તરીકે પતંગ અને દોર શબ્દ લીધાં..!? કારણકે માણસ જ્યારે ખરેખર પ્રેમના રંગમાં રંગાય છે પછી એની હાલત પતંગ જેવી થઈ જાય છે. જેવી રીતે પતંગને દોરનો સંગ થાય ને પછી એ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતી જાય છે એમ જે માણસ પ્રેમમાં પડ્યો હોય એ માણસનાં કામમાં પણ એટલો જ પ્રેમ જોવા મળે છે અને એ સફળતાનાં શિખરો સર કરીને આગળને આગળ વધતો જાય છે. આપણને એમ થાય કે પતંગ તો પવન હોય તો ઊડે,દોરી સાથે એને એટલું બધુ શું લેવા દેવા…!?!
પણ ત્યારે યાદ આવે કે પવન હોય તો પતંગ દોર વીના પણ ઊડી શકે પરંતુ દોર વિનાનો પતંગ આકાશમાં ટકી નાં શકે.! એમ પ્રેમ વગર પણ માણસ પોતાના પુરુષાર્થથી આગળ આવી શકે પણ એ સફળતા પચાવી નાં શકે. એટલે એને ત્યાં ટકવા માટે કોઇના હૂંફ અને પ્રેમની જરુર પડે છે. માટે એવું લખાય કે,
તુ જાણે પતંગ છે ને હુ છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તુ કઇ કોર,
તુ જાણે પતંગ છે ને હુ છું કોઈ ડોર,
લઇ જાય, લઇ જાય છે તુ કઇ ઓર,
અને પ્રેમમાં પડેલા માણસની હાલત પછી જુગારી જેવી થઈ જાય છે જેવી રીતે હાર્યો જુગારી બમણું રમે એવી જ રીતે માણસ પણ પોતાના પ્રિય પાત્ર માટે પ્રેમ હારીને પાછો પ્રેમ હારવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે આપણને એમ થાય કે માણસ ગાંડો છે. કે આમ પ્રેમમાં લૂંટાઈ જવા તૈયાર થયો છે પણ એ સત્ય સનાતન વાત છે કે આ દુનિયામા ગાંડા માણસો જ પ્રેમ કરી શકે ! ગણતરીબાજ માણસો કોઈને પ્રેમ ના કરી શકે. અને જેણે જેણે પ્રેમ ને પામ્યો છે એને આ જગતએ ગાંડા જ કહ્યા છે. નરસિંહને ગાંડા કહ્યા હતાં,મીરાંબાઈને ગાંડા કહ્યા હતાં,તુલસીદાસને ગાંડા કહ્યા હતાં,સુરદાસને ગાંડા કહ્યા હતાં.આમ ગાંડા માણસો જ પ્રેમ કરી શકે અને પ્રેમને, પરમતત્વને પામી શકે.
પણ સવાલ એ છે કે આવુ અલૌકીક ગાંડપણ આવે ક્યારે….!? એનો જવાબ છે કે,
લાગી રે લાગી રે તારી ધુન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધુન લાગી રે,
મને ધુન લાગી તારી,તારી ધુન લાગી,
મને તારી તારી ધુન લાગી……
જ્યાંરે આપણને કોઈની ધુન લાગેને ત્યારે આપણે પરમને પામી શકીએ છીએ.
આવી ધુન લાગે ત્યારે કેવી કેવી અનુભૂતિ હજી થાય છે એ માણીશું આવતાં શુક્રવારે…….
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત