અમદાવાદ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૨૦૧૯-૨૦૨૦નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમ્યાન કુલ ૨૪૬ દિવસ શૈક્ષણિક કાર્ય થશે. જ્યારે ૮૦ દિવસ રજા રહેશે. માર્ચ- ૨૦૨૦ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ તા.૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી ચાલશે. બોર્ડ દ્વારા આજે શૈક્ષણિક કેલેન્ડર જાહેર થતાં શાળા સંચાલકો અને શિક્ષણ સત્તાધીશો તે પ્રમાણેના શૈક્ષણિક આયોજન કરવા માટેની હવે કવાયત હાથ ધરશે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૨૦૧૯-૨૦૨૦નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવતાં વર્ષ દરમ્યાન શિક્ષણની, પરીક્ષા અને અન્ય આયોજનની એક સ્પષ્ટ ગાઇડલાઇન શાળા સંચાલકો અને શિક્ષણ સત્તાવાળાઓને મળી ગઇ છે.
નવા શૈક્ષણિક કેલેન્ડર મુજબ, બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ તા.૧૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ સત્ર તા.૧૦ જૂન ૨૦૧૯થી તા.૨૪ ઓક્ટોબર,૨૦૧૯ સુધી ૧૦૪ દિવસનું રહેશે. જ્યારે તા.૩૦ સપ્ટેમ્બરથી તા. ૭ ઓક્ટોબર સુધી ૮ દિવસનું નવરાત્રિ વેકેશન રહેશે અને તા.૨૫ ઓક્ટોબરથી તા. ૬ નવેમ્બર સુધી ૧૩ દિવસનું દિવાળી વેકેશન રહેશે. જ્યારે ૧૪૨ દિવસનું બીજુ સત્ર તા. ૭ નવેમ્બરથી શરૂ થઈને તા.૩ મે સુધી ચાલશે. ત્યારબાદ તા.૪ મેથી તા.૭ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને તા.૮ જૂન ૨૦૨૦થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વર્ષ ૨૦૧૯-૨૦નું એકેડમિક કેલેન્ડરમાં પ્રથમ સત્રમાં ૧૦૪ દિવસનું શૈક્ષણિક કાર્ય અને બીજા સત્રમાં ૧૪૨ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં આઠ દિવસનું નવરાત્રિ વેકેશન રખાયુ હતુ પરંતુ તે આજે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં ૮૦ રજાઓ અને ૨૪૬ દિવસના અભ્યાસના દિવસો રહેશે. તો, ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા તા.૫ માર્ચ,૨૦૨૦થી શરૂ થશે.