મેલેરિયા દેશના અનેક વિસ્તારોમાં જાહેર આરોગ્યની એક મોટી સમસ્યા બની ગયો છે. મેલેરિયાના મોટા ભાગના કિસ્સાઓ ઝુંપડપટ્ટી, ગંદા વસવાટો અને આંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારના લોકોને મેલેરિયા અંગે ઓછી જાણકારી હોય છે અને તેઓ સારવારની પ્રક્રિયા તથા તેના ઉપાયોથી પણ અજાણ હોય છે.
આપણે જાણીએ છીએ કે, મેલેરિયાના ત્વરિત નિદાન અને પૂર્ણ સારવાર દ્વારા તેને એકદમ મટાડી શકાય છે. પરંતુ મોટાભાગના રોગીઓ તાવ આવતાં લોહીની તપાસ કરાવવા માટે આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરતા નથી. અંધશ્રદ્ધા અને અજ્ઞાનને કારણે તેઓ બિનઉપયોગી રીતો અજમાવે છે ને બિમારી પર ધ્યાન આપતા નથી, જેને કારણે આ બિમારી સમય જતા જીવલેણ નીવડી શકે છે. જેના કારણે દેશમાં મેલેરિયા જેવી સામાન્ય બિમારીનો ખૂબ લોકો ભોગ બની મૃત્યુ પામે છે. જે આપણા દેશ માટે ખુબ જ ચિંતાનો વિષય છે. આ રોગના કાયમી નિવારણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મેલેરિયા વિશેની સમજઃ
મેલેરિયા એક ચેપી બિમારી છે, માણસના શરીરમાં પરજીવ (પેરેસાઇટ)ની હાજરીને કારણે પેદા થાય છે. એનોફિલીસ મચ્છરો આ પરજીવીઓથી ચેપગ્રસ્ત (ઇન્ફેકટેડ) હોય છે, એટલે મેલેરિયાનો ચેપ એનોફિલીસ મચ્છર કરડવાથી ફેલાય છે.
મેલેરિયાના પરજીવીના પ્રકારોઃ
મેલેરિયા પરજીવી કુલ ચાર પ્રકારના હોય છે. (1) P-વાઇવેક્સ, (2) P-ફાલ્સીપેરમ, (3) P-મેલરી અને (4) P-ઓવાલે. આપણા દેશમાં ખાસ કરીને P-વાઇવેક્સ અને P-ફાલ્સીપેરમનો ચેપ બધા વિસ્તારોમાં જોવા મળે છે. અન્ય પ્રકારના પરજીવીઓ માત્ર પહાડી અને જંગલી વિસ્તારોમાં જ જોવા મળે છે.
મેલેરિયાના મચ્છરોનું ઉદ્ભવ સ્થાનઃ
ઘરમાં કે ઘરની આજુબાજુ જ્યાં પણ પાણી ભરાતું હોય. જેમકે માટલાં, કુંડાઓ, છત પરની ખુલ્લી ટાંકીઓ, તૂટેલાં-ફૂટેલાં વાસણો, પશુઓ માટે પાણી પીવાના હવાડા, ખુલ્લી ગટરો અને નકામા ટાયરો મચ્છરોના ઉદ્ભવ સ્થાન છે. મચ્છરો આરામ કરવા માટે અંધારું અને છાંયો આપતી જગ્યાઓ, જેમકે ટેબલની નીચે, પડદા, સોફાની પાછળની જગ્યા વધુ પસંદ કરે છે.
યાદ રાખો ચોમાસામાં વરસાદ પછી મચ્છરોની સંખ્યા બહુ ઝડપથી વધે છે.
જાણવા જેવું મેલેરિયાના મચ્છરો મોટા ભાગે સાંજે કરડવાનું શરૂ કરે છે અને આખી રાત કરડતા રહે છે.
મેલેરિયા રોગના લક્ષણોઃ
મેલેરિયા રોગનું અગત્યનું લક્ષણ દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, માથું દુઃખે, તાવની ચડ-ઉપર થાય અને ઉલટી થાય. ચેપગ્રસ્ત મચ્છર કરડવાના લગભગ 10 થી 14 દિવસ પછી મેલેરિયાના લક્ષણો દેખાવા લાગે છે. મેલેરિયાના તીવ્ર લક્ષણો જોવા મળ્યા પછી દર્દીને જો હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન આપવામાં આવે તો તેનું મૃત્યુ થઇ શકે છે.
ત્વરિત નિદાન અને પૂર્ણ સારવારઃ
સૌપ્રથમ તાવ આવે કે ઠંડી લાગે ત્યારે તરત દર્દીના લોહીની તપાસ કરાવવી. સારવાર માટે આશા વર્કર, મેલેરિયાલિંક વર્કર તથા તાવ ઉપચાર કેન્દ્ર દ્વારા કલોરોકવીનથી કરવામાં આવે છે. લોહીની તપાસ માટે માત્ર એક ટીપાં લોહીની જરૂર પડે છે. લોહીની તપાસ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને માઇક્રોસ્કોપી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેથી માઇક્રોસ્ક્રોપી ટેસ્ટ દ્વારા તેના લોહીની તપાસ કરાવી શકાય. મેલેરિયાના સારવારનો આધાર પરજીવીની પ્રજાતિ અને રોગીની ઉંમર પર હોય છે. જેથી તેની સાચી ઓળખ થવી જરૂરી છે.
દવાઓઃ
સામાન્ય રીતે મેલેરિયાના સારવાર માટે ત્રણ દિવસ ક્લોરોકવીન અને 14 દિવસ પ્રાઇમાક્વીન આપવામાં આવે છે. પણ પ્રાઇમાક્વીન ક્યારેય સગર્ભા મહિલા અને એક વર્ષથી નાના બાળકને આપવી ન જોઇએ. સગર્ભા મહિલાને મેલેરિયા હોવાનું માલુમ પડે કે તરત ડોક્ટરને બતાવીને તાત્કાલિક સારવાર શરૂ કરાવવી. મેલેરિયાની દવાઓ જમ્યા પછી જ લેવી જોઇએ. ક્યારેય ખાલી પેટે ન લેવી. દવા લીધા બાદ 30 મિનિટની અંદર ઉલટી થાય તો દવા ફરી વાર આપવી જરૂરી છે. દર્દીએ મેલેરિયા રોગ દરમિયાન પ્રવાહી પદાર્થોનું સેવન વધારે કરવું હિતાવહ છે. મેલેરિયાની દવાઓ અને સાવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, આશા અને મેલેરિયા લિંક વર્કર પાસે વિનામૂલ્યે મળે છે.
મેલેરિયા અટકાવવાના ઉપાયોઃ
સૂતી વખતે કિટકનાશકથી ટ્રીટમેન્ટ કરેલી મચ્છરદાનીનો ઉપયોગ કરવો. જેનું વિતરણ મેલેરિયાજન્ય વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કિટકનાશકને છંટકાવ કરવો, મચ્છરો પેદા થતાં હોય એવા સ્થળો, ખાડાઓ ભરી દેવા, ભરાઇ રહેલા પાણીમાં પોરાભક્ષક માછલી ગમ્બુજિયા મુકવી. ગામ, ઘર અને શાળાની આજુબાજુ સ્વચ્છતા અને મેલેરિયાની પૂર્ણ સારવાર સૌથી અગત્યનો ઉપાય છે.
સહિયારા પ્રયાસોથી મેલેરિયાથી મૂક્તિ મેળવીએ અને વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સાર્થક બનાવીએ.
મેલેરિયા વિશે ન જાણેલી કેટલી હકીકતોઃ
(૧) ચેપગ્રસ્ત મચ્છર કરડવાના 10 થી 14 દિવસ બાદ મેલેરિયાના લક્ષણો દેખાય છે.
(૨) મેલેરિયાના મચ્છરો મોટા ભાગે સાંજે કરડે છે.
(૩) ગર્ભવતી મહિલાઓ, ગર્ભસ્થ શિશુઓ તથા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મેલેરિયાનું જોખમ સૌથી વધારે રહે છે.
(૪) ચોમાસામાં વરસાદ પછી મચ્છરોની સંખ્યા બહુ વધે છે.
(૫) એક મોટી ગમ્બુજિયા માછલી મચ્છરની 100 થી 300 ઇયળો ખાઇ જાય છે. જે માછલી મનુષ્યને ખાવાલાયક હોતી નથી તેમજ ખારા પાણીમાં પણ રહી શકે છે.