આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકો જાતભાતની રીતે તેની ઉજવણી કરશે, તેના માટે વિવિધ આયોજનો થશે, રેલીઓ નીકળશે, પ્રતિજ્ઞાઓ લેવાશે અને બીજું ઘણું થશે. આ બધું કરવું પણ જોઈએ જેથી એક દિવસ તો એક દિવસ લોકોને પર્યાવરણ બચાવવાની સમજ તો મળે. લોકોની જ્યારે વાત આવે છે ત્યારે તેમાં તમે અને હું બધા જ આવી જઈએ છીએ. દેશ અને દુનિયાના તમામ પ્રકારના મીડિયા આ અંગેના સમાચારો છાપશે, બતાવશે, સંભળાવશે અને રજૂ કરશે. પર્યાવરણ કેવી રીતે ગંદુ થાય છે, કેટલું ગંદુ થયું છે, અત્યાર સુધી કેટલું ગંદુ થયું છે અને આગામી સમયમાં આપણે કેટલું ગંદુ કરીશું. આ બધી વાત વચ્ચે આપણે એ ભુલી જઈએ છીએ કે કુદરતનો આપણી જોડેનો વિશેષ સંબંધ છે. આપણા જીવનમાં જેમ માણસોને વિશેષ સ્થાન આપીએ છીએ તેમ કુદરતનું પણ વિશેષ સ્થાન હોવું જોઈએ.
દરેક વ્યક્તિના જીવનમાં માતા-પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, મિત્ર અને અન્ય સંબંધોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે હવા, પાણી, જમીન, ખેતરો, વૃક્ષો, પ્રાણીઓ અને અન્ય બાબતોને પણ સ્થાન આપવું જોઈએ. થોડા સમય પહેલાં જ એક વીડિયો જોયો હતો જેમાં કેટલાક લોકો અભિનય દ્વારા બતાવતા હતા કે, આપણે આપણી આ ધરતીને કેટલી ગંદી કરી નાખી છે. એક યુવતી ધરતી માતા બની હતી અને ગાર્ડનમાં બેઠેલા અલગ અલગ લોકોની સાથે તેમના જેવું વર્તન કરતી હતી. કોઈ કેળાની છાલ આમતેમ ફેંકે તો બહારથી કચરા પેટી લાવીને તેની ઉપર નાખી દેતી. કોઈની ઉપર એંઠવાડ ફેંકતી, કોઈની ઉપર ગટરનું પાણી રેડતી, કોઈના ઉપર પ્લાસ્ટિકની થેલીઓ ફેંકતી. વીડિયો ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર બનાવાયો હતો પણ ખરેખર આ વીડિયો કેટલો માર્મિક અને ચોટદાર હતો તે બનાવનાર જ જાણે છે. આપણે તો આવી વીડિયો અને ઓડિયોથી પણ યુઝ ટૂ થઈ ગયા છીએ. વોટ્સએપ ઉપર આવા વીડિયો જોવાના, આગળ વધારવાના અને ભુલી જવાનું.
સામાન્ય રીતે એટલું જ વિચારો કે કોઈ આપણને દરરોજ મદદ કરે, ભોજન આપે, પાણી આપે તો આપણે આખી જિંદગી તેનો ઉપકાર ભુલતા નથી. કુદરત આપણને આ બધું દરરોજ આપે છે. શ્વાસ લઈ શકાય તેવી સ્વચ્છ હવા આપે છે, પી શકાય તેવું પાણી આપે છે, ફળો અને શાકભાજી આપે છે, વરસાદ આપે છે, વૃક્ષો દ્વારા શીતળતા અને ફુલો દ્વારા સુવાસ આપે છે. કુદરતે આપણને એટલું બધું આપ્યું છે અને આપતી રહે છે કે તેનો કોઈ હિસાબ પણ થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં આપણે તેના એટલા બધા ઋણી થઈ ગયા છીએ કે, આપણે જ નહીં આપણી આગામી સાત પેઢીઓ પણ આ ઋણ ઉતારવા સક્ષમ નથી. કુદરતે ક્યારેય આ ઋણનો હિસાબ કર્યો નથી.
માણસ તરીકે આપણે આ ઋણાનુબંધને સમજવાનો છે. આપણે તેની સાથેના સંબંધને સુધારવાના છે. કોઈ આપણી મદદ કરે અને આપણે તેને પરેશાન કરીએ કે હાની પહોંચાડીએ તો તે ફરીથી આપણને મદદ કરવા નહીં આવે. માણસ એકબે વખતની મદદના બદલામાં હાની મળે તો સામું નથી જોતો તે પછી કુદરત ક્યારેક તો આપણે હિસાબ કરશે ને. સવાલ માત્ર એટલો જ છે કે, આપણે સ્વાર્થી થઈને કુદરતનો બેફામ ઉપયોગ કરીએ છીએ અને પછી ગ્લોબલ વોર્મિંગ, કેદારનાથ જળ આફત, વાવાઝોડા, ભૂકંપ જેવી સમસ્યાઓના રોદણા રોવા બેસીએ છીએ. પેરિસ સંધીઓ કરવા વલખાં મારીએ છીએ. આવી સ્થિતિ આવે તેના કરતા પહેલાં જ આપણે કુદરત સાથેના સંબંધ સુધારી લેવા જોઈએ. થોડો લાભ ઓછો થવા લાગે તો પણ આપણે અન્ય વ્યક્તિ કે ભાગીદાર સાથે સંબંધ સુધારી લઈએ છીએ તો આતો વધારે લાભદાયી છે. તેમાં ક્યારેય સામે કશું આપવાનું નથી અને આજીવન બધું મફત મેળવ્યા કરવાનું છે. છેવટે સ્વાર્થી થઈને પણ કુદરતની સાથે સંબંધ સુધારીશું તો તેનું થોડું જતન થશે અને આવનારી પેઢીને પણ સંસાધનોનો લાભ મળતો થશે.
-રવિ ઈલા ભટ્ટ