રીટાબહેનની ઉંમર ૪૭ છે. અત્યાર સુધી તેમણે માત્ર સાડી જ પહેરી છે. હવે દિકરા વહુ વિદેશમાં શિફ્ટ થાય છે અને તેમને પણ સાથે લઈ જવા માંગે છે….વહુ તો તેમનાં માટે જીન્સ અને ટીશર્ટ લઈને આવી ગઈ….જે રીટાબહેને આજસુધી સલવાર સુટ પણ પહેર્યો નથી અને હવે આ ઉંમરે જીન્સ પેન્ટ…? વનિતાબહેનનાં પતિનાં મૃત્યુને છ મહીના થઈ ગયા. હંમેશા લાલ -લીલી સાડી પહેરીને મોટો ચાંદલો કરીને ફુલ શણગાર સજીને ઘરની બહાર નીકળતા વનિતાબહેનને આજે સફેદસાડીમાં ઘરની બહાર નીકળવું ગમતુ નથી, તેથી ઘરની બહાર નીકળતા જ નથી. ૫૭ વર્ષનાં ઈન્દુબહેનને હાથમાં મહેંદી લગાવવી અને પગમાં ઝાંઝર પહેરવા બહુ ગમે છે પરંતુ હવે ઘરમાં બે વહુ છે તો તેમને શરમ આવે છે…!!!
એક કહેવત અનુસાર જ્યારે આપણું જૂતુ ફાટેલું હોય ત્યારે આપણી નજર બીજાનાં જૂતા પર જ જાય. તેવી જ રીતે જ્યારે આપણને કંઈક અજૂકતું લાગતુ હોય ત્યારે આપણે જ કોન્શિયસ રહીએ છીએ. સામેની વ્યક્તિઓને તો તમારી પર એટલું ધ્યાન પણ નથી હોતુ પરંતુ તમને અનકમ્ફર્ટ જોઈને તેમનું ધ્યાન તમારી તરફ દોરાય છે. ખાસ કરીને મહિલાઓ સાથે આવુ વધારે બનતુ હોય છે. તેઓ તેમની આસપાસ એક કમ્ફર્ટ ઝોન બનાવી લે છે. તેઓને હંમેશા એ ચિંતા રહે છે કે લોકો શું કહેશે…અન્ય લોકો તેમને કેવી રીતે જોશે…આ સંકોચ એટલો બધો હોય છે કે તેઓ લોકોનાં ડરને કારણે પોતાની એવી કેટલીય ઈચ્છાઓ મારતા હશે.
રીટાબહેનને સંતાન સાથે વિદેશમાં રહેવાની અપાર ખુશી છે. નવી જગ્યાએ નવેસરથી જીવન જીવવાનો ઉમંગ પણ છે, પણ વાત જ્યારે કપડાંની આવે છે ત્યારે રીટાબહેન જ નહીં ઘણાં લોકોમાં કોન્શિયસનેસ આવી જતી હોય છે. વનિતાબહેનની વાત કરીએ તો જેને આખી જીંદગી સજવા સવરવાનો શોખ હોય, જે વ્યક્તિ પોતાની જાતને અરીસામાં ચાંદલા વગર જોઈ જ ન શકતી હોય તે ઘરની બહાર કેવી રીતે નીકળે…વાત માત્ર શણગારની નથી….પરંતુ વનીતા બહેન જેવા લોકો જેની માટે તેનો શણગાર તેનો કોન્ફીડન્સ છે તે એટલે જવા દેવાનો કેમકે તેમનાં પતિ નથી રહ્યાં. બીજી રીતે જોવા જઈએ તો માત્ર શણગાર ન કરવાથી જ તેમનાં પતિ માટેનો ભાવ યથાવત રહેશે..? વનીતાબહેન ચાંદલો કરે કે ન કરે તેનાંથી તેમના મનમાં તેમના પતિ માટે જે પ્રેમ, આદર કે ખાલીપો છે તે ઓછો કે વધારે થઈ જશે…દેખીતી રીતે તમે સફેદ સાડી પહેરીને ઘરમાં બેસી રહો તો જ તમે સત્યવ્રતા ગણાશે….? ઈન્દુબહેનનાં તો પતિ પણ જીવીત છે. હંમેશા ઠાઠમાઠમાં રહેનારા ઈન્દુબહેન આજકાલ સંકોચાયેલા અને ગભરાયેલા રહે છે. તેની પાછળનું કારણ એ છે કે તેમનાં ઘરમાં બે પુત્રવધુ આવી ગઈ છે અને તેઓ ઈન્દુબહેનનાં શોખ જોઈ તેમની મશ્કરી ઉડાવે છે. તેમને મહેંદી મૂકેલા જોઈ અને છમછમ કરતાં ઝાંઝરા પહેરેલા જોઈ કહે છે કે ઘરડી ઘોડી લાલ લગામ….તેમને એટલુ લાગી આવ્યું કે તેમને જીવનમાં ક્યારેય ઝાંઝર ન પહેરવાનો અને મહેંદી નહીં મૂકવાનો નિર્ણય લીધો. તેમનાં પતિને તેમનો આ નિર્ણય બિલકૂલ ગમ્યો નહીં. હવે તેમની વહુઓ તો કોઈને કોઈ રીતે તેમને ટોણા માર્યા જ કરે છે. આ બધુ છોડીને ના તેમના પતિ ખુશ છે ના તે પોતે ખુશ છે. આ દરેક કિસ્સામાં એક કોમન પ્રોબલેમ એ જ હતો કે તેમને દરેકને એવુ લાગતુ હતુ કે આ ઉંમરે મને આવુ શોભશે….!!!
દુનિયામાં એવો કોઈ નિયમ નથી કે આ ઉમરે આવુ કરાય અને આવુ ન કરાય. આજે રીટાબહેન જીન્સમાં સેલ્ફી પડાવતા થઈ ગયા…વનિતાબહેન આજે પણ મોટો લાલ ચાંદલો કરીને મંદિરમાં પતિની આત્માની શાંતિ માટે પૂજા કરાવે છે. ઈન્દુબહેનનાં મહેંદી અને ઝાંઝરાવાળા પગ જોઈને તેમનાં પતિ ખુબ ખુશ થાય છે….તમારા મનમાં તો આવા કોઈ સંકોચ નથીને કે આ ઉંમરે…. તમારા માટે શું આગત્યનું છે…પોતાની ખુશી કે લોકોની વાતો…….વિચાર કરી જો જો.
-પ્રકૃતિ ઠાકર