લૉકડાઉન દરમિયાન શેમારૂમી પર ગુજરાતી વેબસિરીઝ ‘વાત વાતમાં’ એ દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. પહેલી સિઝનની સફળતા અને દર્શકોએ આપેલા પ્રેમને પગલે હવે શેમારૂમી પોતાના દર્શકો માટે રિટર્ન ગિફ્ટ લાવ્યું છે. શેમારૂમી પર 21 જુલાઈએ વાત વાતમાંની બીજી સિઝન ‘વાત વાતમાં રિટર્ન્સ’ સ્ટ્રીમ થવાની છે.
આ વખતે પણ વાર્તા સંબંધોની જ છે. સ્વયમ્ પોતાની ગર્લફ્રેન્ડ પહેલને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેને લગ્ન કરવા છે, પરંતુ વચ્ચે આવે છે કલ્ચરલ ડિફરન્સ. ગામડામાં રહેતા સ્વયમના માતાપિતાને પોતાની વહુ અંગે ખૂબ જ જુદી અપેક્ષાઓ છે, જ્યારે પહેલ એકદમ અલ્ટ્રામોડર્ન લાઈફસ્ટાઈલ જીવી રહી છે. હવે જોવાનું એ છે કે આ પરિવાર અને ગર્લફ્રેન્ડ વચ્ચે ચક્કીના દાણાની જેમ પીસાતો સ્વયમ્ કોને મનાવી શક્શે? સ્વયમની આ આખી મથામણ દરમિયાન તેના પપ્પા સાથે થતાં એન્કાઉન્ટર્સ અને પહેલ સાથે થતા ઝઘડાં દર્શકો માટે લાફ્ટરનો બૂસ્ટર ડોઝ સાબિત થવાના છે.
સેકન્ડ સિઝનની રિલીઝ સમયે મલ્હારનું કહેવું છે,’સૌથી પહેલા તો શેમારૂ સાથે મારો સંબંધ ખૂબ જ લાંબો છે. તો મને શેમારૂ સાથે કામ કરવાની મજા આવે છે. અને વેબસિરીઝની વાત કરીએ તો આ સિઝન ખૂબ અલગ છે. આ વખતે બે જુદા જુદા કલ્ચરના પરિવારો ભેગા થઈ રહ્યા છે. આપણી આસપાસ પણ જો આવું થાય તો ટેસડો પડે, એવી જ મજા વેબસિરીઝ જોતા સમયે પડશે. લગ્ન કરવા જઈ રહેલા દરેક છોકરાને કે છોકરીને આ વાર્તા પોતાની લાગવાની છે.આવી રિફ્રેશિંગ વેબસિરીઝ કરવાનો મને ઘણો આનંદ આવ્યો.’ તો પૂજા જોશીનું કહેવું છે,’શેમારૂ સાથે મારો ત્રીજો પ્રોજેક્ટ છે, અને અનુભવ એટલો સારો છે કે આગળ પણ સાથે કામ કરીશું તો મજા પડશે. આ ઘર ઘર કી કહાની છે. આમાં બે સાવ જુદા વિશ્વના લોકો પ્રેમમાં છે, એટલે બંનેના પરિવારો જ્યારે ભેગા થાય ત્યારે હાસ્યનું વાવાઝોડું સર્જાય છે, એમાં દર્શકોને મજા પડશે. સાથે જ લાગણીઓના સન્માનનો ઈમોશનલ ટચ પણ લોકોને ગમશે એવી ખાતરી છે.’
કર્તવ્ય શાહ ડિરેક્ટેડ આ વેબસિરીઝમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની સાથે નિસર્ગ ત્રિવેદી, ચેતન દૈયા, કલ્પેશ પટેલ, મોરલી પટેલ, કૃપા પંડ્યા જેવા ગુજરાતી ઈન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો દર્શકોને મજા કરાવશે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.