શું તમને પણ બીજા લોકોની સરખામણીમાં વધારે ઠંડી લાગે છે? અથવા તમારા હાથ-પગ ઘણીવાર ઠંડા રહે છે? શિયાળો આવે એટલે તમે હીટર સામે દિવસ પસાર કરો છો કે પછી રજાઈમાં જ બેઠા રહો છો? જો આવું હોય, તો આ માત્ર હવામાનની ભૂલ નથી, પરંતુ તમારા શરીરમાં થતી કેટલીક ઉણપનું પણ પરિણામ હોઈ શકે છે.
શરીરમાં કેટલાક વિટામિનની ઉણપના કારણે બીજા લોકોની તુલનામાં તમને વધારે ઠંડી લાગે છે. સામાન્ય રીતે વધુ ઠંડી લાગવાનું મુખ્ય કારણ રેડ બ્લડ સેલ્સની ઉણપ હોય છે. રેડ બ્લડ સેલ્સ શરીરના ટિશ્યૂઝ સુધી ઓક્સિજન પહોંચાડે છે. સમગ્ર શરીરની કોષિકાઓને ગરમી આપવા અને શરીરનું તાપમાન જાળવવા માટે થતી મેટાબોલિઝમ પ્રક્રિયા માટે આ ઓક્સિજન જરૂરી છે. પરંતુ જ્યારે શરીરમાં વિટામિનની ઉણપ થાય છે, ત્યારે રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન ઘટે છે. પરિણામે તમને અન્ય લોકોની સરખામણીમાં વધુ ઠંડી લાગે છે. જાણો કયા વિટામિનની કમીને કારણે વધારે ઠંડી લાગે છે.
વિટામિન B12ની ઉણપ
વિટામિન B12ની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે. આ સ્થિતિમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે અને તેમનું કદ સામાન્ય કરતાં વધારે થઈ જાય છે. જેના કારણે શરીર ઠંડી પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. વિટામિન B12 ઉણપથી શરીરમાં અન્ય લક્ષણો પણ જોવા મળે છે.
ફોલેટની ઉણપ
ફોલેટને વિટામિન B9 તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોલેટની ઉણપથી પણ શરીર ઠંડી પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. ફોલેટ શરીરમાં મજબૂત રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં પૂરતી માત્રામાં વિટામિન B9 (ફોલેટ) ન હોય, ત્યારે વિટામિન B12ની ઉણપ જેવી સ્થિતિ સર્જાય છે.
આયર્નની ઉણપ
સામાન્ય કરતાં વધારે ઠંડી લાગવાનું કારણ માત્ર વિટામિનની કમી જ નથી, પરંતુ ઘણી વખત શરીરમાં આયર્નની કમીથી પણ એવું થાય છે, જે ખાસ કરીને મહિલાઓમાં વધુ સામાન્ય છે. આયર્નની કમીથી થતા એનિમિયામાં શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે પૂરતું આયર્ન મળતું નથી. જ્યારે હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન ખૂબ જરૂરી છે. હિમોગ્લોબિન રેડ બ્લડ સેલ્સમાં રહેલું પ્રોટીન છે, જે ઓક્સિજનને બાંધીને શરીરમાં પહોંચાડે છે.
