અમદાવાદ : ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણીમાં આજે ઉનાળાની ગરમીના પ્રકોપ, થોડી નિરૂત્સાહતા અને છેલ્લા બે કલાકમાં ભારે ધસારા બાદ એકંદેર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આજે સરેરાશ ૬૨.૪૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ ખાતે ૭૪.૦૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જયારે સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૫૩.૭૫ ટકા જેટલું નોંધાયું હતું.
બપોરે ગરમીના કારણે મતદાન ઠંડુ : છેલ્લા બે કલાકમાં ઉંચી ટકાવારી
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યમાં ૪.૫૧ કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા ૫૧,૮૫૧ મતદાન કેન્દ્રો પર મતદાન નોંધાયું હતું. પ્રથમ ૬ કલાકમાં રાજ્યની તમામ બેઠકો પર સરેરાશ ૪૦ ટકા મતદાન થયું હતુ. સાંજે ૩-૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ પ૦ ટકા સુધીનું મતદાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમીના પ્રકોપ વચ્ચે મતદાનની પ્રક્રિયા ધીમી રહી હતી પરંતુ ચાર વાગ્યા પછી મતદાનમાં ભારે ગતિ અને તેજી નોંધાઇ હતી. મતદારોનો ધસારો ચાર વાગ્યા પછી મતદાન મથકોએ સારો એવો નોંધાયો હતો અને તેથી છેલ્લા બે કલાકમાં મતદાનની ટકાવારી ફરી પાછી ઉંચી નોંધાઇ હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૫૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતુ અને છેલ્લા કલાકમાં એટલે કે, સાંજે છ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૬૦ ટકાને પાર કરી ગઇ હતી. છેલ્લા કલાકમાં ઉંચુ મતદાન નોંધાયું હતું.
ચાર ગામમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર
લોકસભાની આજની ચૂંટણી અને મતદાન વચ્ચે રાજયના કેટલાક ગામો અને પંથકો એવા પણ હતા કે, જયાં મતદારોએ સરકારના સત્તાધીશોની નિષ્ફળતા સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી મતદાનનો બહિષ્કાર કર્યાે હતો. રાજયના ચાર ગામોમાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કરતાં ચૂંટણી તંત્ર અને અધિકારીઓ દોડતા થયા હતા. રસ્તા અને પાણી મુદ્દે ડાંગના બે ગામો દાવદહાડ અને ધુબડિયાના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો હતો. પ્રથમ ત્રણ કલાકમાં એકેય મત પડયો ન હતો. બપોર સુધી આ ગામના મતદાનમથકોએ ઝીરો ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જેને પગલે સવારના ત્રણ કલાકમાં એક પણ મત ઇવીએમમાં આવ્યો ન હતો. જાફરાબાદ તાલુકાના સરોવડા પાણી અને રસ્તા મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને ૧૧ વાગ્યા સુધીમાં માત્ર બે જ મત પડ્યા હતાં.
હસમુખ પટેલ પોતાનો મત જાહેર કરી વિવાદમાં ફસાયા
અમદાવાદ(પૂર્વ)ના ઉમેદવાર હસમુખ પટેલે અમદાવાદ(પશ્ચિમ)ના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીને મત આપ્યાનું જાહેર કરતા મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિવાદમાં ફસાતાં મામલો ગરમાયો હતો. પાછળથી તેમણે ભારે વિવાદ અને હોબાળો મચતાં ચૂંટણી આચારસંહિતા કે માર્ગદર્શિકાનો ભંગ કરવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો પરંતુ ચૂંટણીના ઉત્સાહમાં તેમનાથી મત કોને આપ્યો તે જણાવી દેવાયું. જા કે, હસમુખ પટેલનો વિવાદ સમાચારમાં ચમકયો હતો.
કુંડારીયા અને વસોયાને મત આપ્યાનો વીડિયો વાયરલ
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને ઈવીએમમાં બટન દબાવીને મત આપતો વીડિયો કોઈ અજાણ્યા શખ્સોએ વાયરલ કર્યો છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ રાજકોટમાં મોહનભાઈ કુંડારિયાને મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જય કુબાવત નામના વ્યક્તિએ તે વીડિયો ટીકટોક પર મુક્યો હતો. જે આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાબરાના વાવડી ખાતે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુંમરે મતદાન કર્યા બાદ પોતાની આંગળીમાં પંજાનું નિશાન બતાવ્યું હતું. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. મતદાન મથક બહાર આવી જેની ઠુંમરે આચારસંહિતો ભંગ કરતા ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી થવાની શકયતા છે.