*વિશ્વાસઘાત*
મોહનલાલ સાઇઠ વટાવી ગયા હતા તો ય હજુ સંસારની માયા છોડી શકતા ન હતા. એમની યુવાનીમાં તો એ રંગીન પ્રકૃત્તિના હતા પણ હવે તો વધતી ઉંમરની સાથે એમણે જીવનને સાત્વિક બનાવવું જોઇએ પણ એવું એ નહોતા કરી શક્યા. પાછા ઘણાં બધાં ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ એ કરતા, ક્યાંક છોકરાઓ ભેગા થયા હોય, કોઇક નાનો મોટો પ્રસંગ હોય તો કોઇ કહે કે ના કહે એ સુવિચારો કે સદાચરણ વિશે થોડી ઘણી વાતો કરવાનું ચૂકે જ નહિ…અને લોકોને એમની વાતો ગમતી પણ ખરી…
ઢળતી ઉંમરે એમનાં પત્ની તો ભક્તિ ભજન તરફ વળી ગયાં હતાં, એટલે મોહનલાલ એમની સાથે મીઠી મજાક કે કશું અડપલું કરવા જાય તો એ એમને રીતસરનાં ઝાટકી જ નાખતાં,
“- લાજો લાજો, હવે ઘયડા થયા છો, છોકરાંના ઘેર પણ છોકરાં છે ને હજી ય શરમાતા નથી !!! ”
મોહનલાલ આવું સાંભળી ભોંઠા પડી જતા. એમને કહેવાનું તો થઇ આવતું કે—
” તમારી વાત ખરી છે પણ અહીં ક્યાં છોકરાં આપણી સાથે છે તે ડરવાનું હોય ?”
નોકરી ધંધાને કારણે અલગ રહેતાં છોકરાઓ તરફ તે ધ્યાન દોરવા માગતા પણ તેમનાં પત્નીનો રુઆબ જોતાં એ કશું જ બોલી શકતા નહિ અને મન મનાવી લેતા.જો કે એમને પણ ભક્તિ ભજન કરવાનો, વાંચવાનો અને સાંભળવાનો ખૂબ શોખ હતો તેમ જ આધ્યાત્મિક વાંચન વગેરેને લીધે એમને થતું તો ખરું કે પત્નીની વાત સાચી છે અને મારે હવે આ બધો શારીરીક મોહ છોડી દેવો જોઇએ પણ એ હકીકતમાં તેઓ એમ કરી શક્તા નહિ….એનું એક કારણ એ પણ હતું કે તેમને તેમની ઉંમરના બીજા એક રંગીન પ્રકૃત્તિના મિત્ર હતા જે પાછા વર્ષોથી વિધુર હોવાને કારણે ઘણી બધી અમુક ચોક્કસ પ્રકારની સ્ત્રીઓ સાથે સંપર્કો ધરાવતા હતા ને એ પાછા કાયમ એવી સલાહ આપતા કે,
” ભાઇ ભોગવે એ ભાગ્યશાળી કહેવાય… જીવનમાં તમે જે સુખ ભોગવ્યું તે સાચું, સાથે બીજું શું આવે છે ? તમે જે સુખ એંજોય કરેલું હશે એ જ તમારી સાથે આવશે બાકી બધું અહીંનુ અહીં જ પડ્યુ રહેવાનું છે….અને હજી તમારું શરીર સાથ આપે છે તો એશ કરી જ લો ”
આવી સલાહ મિત્ર તરફથી મળતી હોવાને કરણે મોહનલાલ મહિને દહાડે એ મિત્રને ઘેર જ કોઇ યુવતીને બોલાવીને એમની ઇચ્છા પૂરી કરી લેતા….પરંતુ આમાં એક દિવસ એમને એક એવી યુવતી મળી ગઇ જેણે મોહનલાલનો રાહ પલટાવી દીધો…
અત્યંત ગરીબીમાં ઉછરેલી એક દેહ વિક્ર્ય કરનારી યુવતીને એ મળ્યા ત્યારે એણે સીધુ જ કહી નાખ્યુ,
” અરે અંકલ તમે આ ઉંમરે આટલો શોખ ધરાવો છો ? તમારાં વાઇફ તમારા ઉપર કેટલો વિશ્વાસ મૂકીને જીવતાં હશે ? ને તમે તો એમની સાથે તો એક રીતે તો વિશ્વાસઘાત કરી રહ્યા છો એનો તમે કદી વિચાર કર્યો છે ખરો ? એ જ્યારે આ બધું જાણશે ત્યારે તેમને કેટલો આઘાત લાગશે એનો તમને ખ્યાલ છે ખરો ? શું તમે આ ખોટું કરી રહ્યા છો એવું તમને નથી લાગતું ? ”
– મોહનલાલ તો આ યુવતીના શબ્દો સાંભળીને સડક થઇ ગયા… એમને જોરદાર ચોટ વાગી ગઇ એ તેને
” બેટા મને માફ કરજે તેં તો આજે મારી આંખ ઉઘાડી નાખી છે…”
કહેતા એની પાસેથી ઝડપભેર ખસી ગયા.. ઘેર આવીને એમણે આ બાબતે ખૂબ મનોમંથન કર્યું. અને ત્યાર પછીથી એ સાચા અર્થમાં આધ્યાત્મિક જીવન જીવતા થઇ ગયા છે. મજબૂરીને કારણે દેહવિક્ર્ય કરતી યુવતી પણ એમના જીવનમાં કેવો જબરદસ્ત ફેરફાર લાવી ગઇ..!! એમનાં પત્નીના ચહેરાનુ ભોળપણ જોઇ એમને પણ થઇ આવ્યું ના ના આને તો ન જ છેતરાય…..
અનંત પટેલ