અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એરફોર્સના હેલિકોપ્ટરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જા કે, પહેલી વાર પ્લેનનું લેન્ડિંગ ન થઈ શકતા તેમણે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી તેઓ પૂરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી શક્યા હતા. પરંતુ આ મુલાકાત દરમ્યાન રાજકોટના જેતપુર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હેલિકોપ્ટરનું ખરાબ હવામાનના કારણે ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લઇ અને ત્યાંની પરિસ્થિતિનું નીરીક્ષણ અને સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓને પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ મદદ કરવા માટે નિર્દેશ કર્યો હતો. સાથે સાથે તંત્રના અધિકારીઓને અસરકારક અને ત્વરિત રીતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચનાઓ જારી કરી હતી.
આજે સવારે મુખ્યમંત્રી રૂપાણી ગીર સોમનાથ જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા, પરંતુ ભારે વરસાદને કારણે કેશોદ એરપોર્ટ પર તેઓ લેન્ડિંગ કરી શક્યા નહોતા અને ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઓ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ જિલ્લાના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને પૂરની સ્થિતિ તથા બચાવ અને રાહત કાર્યની સમીક્ષા કરી હતી.
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ત્યાંના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં ખાસ તો ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તેમ જ ભાવનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ જ પાણી ભરાઈ જવાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. ચોમેર પાણીથી ઘેરાઈ ગયેલાં કેટલાક ગામો પણ સંપર્કવિહોણા બન્યાં છે ત્યારે મુખ્યમંત્રીએ આજે જાતે હવાઇ નીરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી નિર્દેશો તંત્ર અને અધિકારીઓને આપ્યા હતા.