નીતિ આયોગની તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી ચોથી ગવર્નિંગ કાઉન્સીલ બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમમાં કૃષિ ક્ષેત્રે સંસાધનો ઉભા કરી ખેડૂતોની આવક વધારવી અને કૃષિ ક્ષેત્રના સંકટના નિરાકરણ માટેના મુખ્ય હેતુ માટે સમિતિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મનરેગામાં કૃષિ ક્ષેત્રને સાંકળી લેવા માટેની નીતિ ઘડતરની ભલામણો માટે નીતિ આયોગ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની સમિતિની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી પ્રથમ બેઠકમાં વિજયભાઇ રૂપાણીએ આ સૂચનો કર્યા હતા.
ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સહભાગી થતાં વિજયભાઇ રૂપાણીએ કૃષિ ક્ષેત્રના સંકલિત અભિગમને સાંકળી લઇ કૃષિ વિકાસ અને ખેડૂતોની આવક બમણી કરવાના મહત્વપૂર્ણ સૂઝાવ આ બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેતીની ઓન ફિલ્ડ પ્રવૃત્તિઓને પણ મનરેગામાં સાંકળી લઇ ખેત પ્રવૃત્તિમાં કાર્યરત પરિવારોના સભ્યો જે ખેતમજૂરી કરે છે તેમને મનરેગા હેઠળ વેતન આપવાનું પ્રેરક સૂચન કર્યું છે. આ સંદર્ભમાં મનરેગાની માર્ગદર્શિકામાં ફેરફાર કરવા માટે પણ તેમણે હિમાયત કરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં વિજયભાઇ રૂપાણી (ગુજરાત), મમતા બેનરજી (પશ્ચિમ બંગાળ), યોગી આદિત્યનાથ (ઉત્તરપ્રદેશ), નીતિશકુમાર (બિહાર) અને એન. ચંદ્રાબાબુ નાયડુ (આંધ્રપ્રદેશ) તથા પવન ચામલિંગ (સિક્કીમ) તથા આયોગના સભ્ય પ્રો. રમેશચંદનો સમાવેશ કરાયો છે.
મુખ્યમંત્રીએ જળ સંગ્રહ માટે સંસાધનો ઉભા કરવાથી લઇ ખેતપેદાશોની યોગ્ય બજાર વ્યવસ્થા માટે હાટ બજાર, અઠવાડિક ખેડૂત બજાર, કલેક્શન અને ગ્રેડિંગ-સોર્ટિંગ સેન્ટર, ઓન ફાર્મ સ્ટોરેજ ગોડાઉન સહિત જમીનના પોષણ માટે ઓર્ગેનિક ઇનપુટ ઉત્પાદન, વાડી યોજના, શેઢા પાળે વાવેતર, ઘાસચારા માટે વિકાસ કાર્યક્રમ, દુધાળા પશુઓ, ઘેટા-બકરા, મરઘા માટે શેડ, મત્સ્ય પાલન માટે તળાવ બનાવવાની કામગીરી, મશીનના ઉપયોગથી ઉત્પાદન કરતા ખેડૂત જુથ દ્વારા કાર્યરત એકમોને મનરેગા હેઠળ સાંકળી લેવા સહિતની બાબતો અંગે અગત્યના સુચનો કર્યા હતા.
સમિતીના સભ્ય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નીતિ આયોગના સભ્ય દ્વારા રાજ્યની સ્થિતિને ધ્યાને લઇ અગત્યના સુચનો કરવામાં આવ્યા હતા. પ્રથમ બેઠકમાં થયેલ ભલામણો, તેના અમલ માટે રણનીતિ અને કૃષિ ક્ષેત્રે મનરેગાના સમાવેશ અંગે ચર્ચા માટે સમિતીની બીજી બેઠક ઓગષ્ટ માસના અંતે મળશે તેવું પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં નિયત કરવામાં આવ્યું હતું.
આ સમિતિના કાર્યક્ષેત્રમાં મુખ્યવે સાત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતી કૃષિ ક્ષેત્રે વાવણી પહેલાં અને લણણી પછીના સમયગાળામાં મનરેગાના માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધીઓ થકી ખેડૂતોની આવક વૃદ્ધિની શક્યતાઓ ચકાસીને તેના અમલ અંગે ભલામણ કરશે.