ઘાત ટળી : પ્રચંડ વાયુ વાવાઝોડુ ગુજરાત દરિયાકાંઠે નહીં ટકરાય

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ : ગુજરાત પર વાયુ વાવાઝોડાનુ છેલ્લા કેટલાક દિવસથી તોળાઇ રહેલુ સંકટ હવે ટળી ગયુ છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે દાવો કર્યો છે કે વાયુ વાવાઝોડાનો હવે ગુજરાત પર કોઇ ખતરો નથી. તેની ગુજરાતમાં કોઇ અસર થશે નહીં. જા કે તંત્ર સંપૂર્ણ પણે સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે. લો પ્રેશરમાંથી વિનાશક વાવાઝોડામાં બદદાયેલુ વાયુ વાવાઝોડુ હવે ગુજરાતના દરિયાકાઠા પર ટકરાશે નહીં. હાલમાં તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વઘી રહ્યુ છે. જે રીતે સ્થિતી ઉભી થઇ રહી છે તે જાતા હવે ગુજરાતમાં ટકરાશે નહીં. જો કે પોરબંદર, દ્ધારકા અને ઓખામાંથી પસાર થઇ જશે. કાંઠાના વિસ્તારમાં વરસાદ ચોક્કસણે થનાર છે. તેની અસર હેઠળ પાંચ દિવસ સુધી વરસાદ થઇ શકે છે. હાલમાં વાવાઝોડુ વેરાવળથી ૨૦૦ કિલોમીટરના અંતરે છે. તે હવે ઓમાન તરફ ફંટાઇ જવાની સંભાવના છે. આની સાથે જ મોટી ઘાત ટળી ગઇ છે.  આજે સવારે વાવાઝોડાએ પોતાની દિશા બદલી દીધી હતી. ગુજરાતના દરિયાકાંઠાથી પહેલા જ તે ફરી દરિયા તરફ વળી ગયુ છે. હવે તે ગુજરાતમાં ઘુસવાની કોઇ શક્યતા નથી. અલબત્ત તંત્ર સંપૂર્ણરણે સાવધાન છે. વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ ત્રણ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા.રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી છે.  મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે અને એકેએક હિલચાલ પર બાજનજર રાખી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં બપોર સુધીમાં ૧,૨૩,૫૫૦થી વધ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં ૧,૨૧૬ જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે. ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જેઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.

રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થવાની છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી  પૂર્ણ કરાઇ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૭ જેટલી એનડીઆરએફની ટીમો ફાળવી દેવાઇ છે. જે ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. આ જ રીતે એસડીઆરએફની ૧૧ ટીમો અને મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત આર્મીની ૩૪ ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે  છે. વાવાઝોડાને લઇ અનેક સુરક્ષા અને બચાવ ટીમો હાઇએલર્ટ સ્ટેન્ડ ટુ રખાઇ છે.

Share This Article