અમદાવાદ : વાયુ વાવાઝોડુ પશ્ચિમી દરિયાકાઠા તરફ પ્રચંડ તીવ્રતા સાથે વધી રહ્યુ છે ત્યારે તેની અસર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દેખાવવા લાગી ગઇ છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ જારી છે. સૌરાષ્ટ્ના અમેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદ થઇ રહ્યો છે. વાતાવરણમાં જોરદાર પલટો આવી ગયો છે. અમરેલીમાં ધીમી ગતિથી વરસાદ થઇ રહ્યો છે. દીવના દરિયાની જેમ જ પોરબંદર અને વેરાવળના દરિયાકાઠા પર ઉચાં મોજા જાવા મળી રહ્યા છે. તંત્ર વાવાઝોડાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ચક્રવાતી વાવાઝોડા વાયુની અસર હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ થશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાનની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં અનેક ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ચાર ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ પવન સાથે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર સંપૂર્ણપણે સાબદુ થઇ ગયું છે.