અમદાવાદ મ્યુ. દ્વારા કરોડના ખર્ચે આઈ.આઈ.એમ.પાસે બનેલા વિવાદિત બ્રીજના છેડે ઉતરતા વસ્ત્રાપુર ગામનો સાંકડો રોડ પસાર થાય છે. તે રોડ-રસ્તાના દબાણો હટાવીને રોડ પહોળો નહીં કરતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ઠેરની ઠેર આવીને ઉભી રહી જાય છે. અંધજન મંડળ ચાર રસ્તા પર બ્રિજ બનાવીને ખૂલ્લો મુકી દીધા બાદ વસ્ત્રાપુર ગામના વર્ષો જૂના સાંકડા રોડને પહોળો કરવાની દરકાર નહીં કરાતા ચાર રસ્તાના ટ્રાફિક જામની સમસ્યા ખસીને વસ્ત્રાપુર ગામ તરફ આવી હતી.
હવે મ્યુનિ. તંત્રને પોતાની ભૂલ સમજાતા વસ્ત્રાપુરનો રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે. નવા પશ્ચિમ ઝોનના ટીડીઓના કાફલાએ આજે નાની મોટી ૧૨ જેટલી દુકાનો તોડી હતી. જેમાં એક વર્ષો જુના કોમ્પ્લેક્ષની ૧૧ જેટલી દુકાનો અને પહેલા માળનું બાંધકામ તેના માલિકે પોતે જ ગયા અઠવાડિયાથી તોડવાનું ચાલુ કર્યું છે. અત્યારે રોડ વાંકોચુંકો છે અને કયાંક ૮ મીટર તો ક્યાંક ૯ મીટરની પહોળાઈ છે. જે વધીને ટીપી સ્કીમ મુજબ ૩૬ મીટર કરવાની છે. જો કે હાલના તબક્કે ૨૧ મીટર પહોળાઈ રાખવાનું નક્કી થયું છે.
રોડ લાઇનમાં ચારેક ધર્મસ્થાનો સહિત ૧૨૯ જેટલાં બાંધકામો કપાતમાં જશે. જેની નિશાની પણ ત્યાંના રહીશોને કરી આપવામાં આવી છે. કેટલાક મિલકત ધારકોએ સામેથી પોતાના મકાનો તોડવાની તૈયારી બતાવી છે.