નવી દિલ્હી : છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમના દેશોની જેમ ભારતમાં પણ વેલેન્ટાઈનનું મહત્વ વધ્યું છે. આ તહેવારની ઉજવણી સૌથી વધુ યંગસ્ટર્સ કરી રહ્યાં છે. યંગસ્ટર્સમાં પહેલા વેલેન્ટાઈનના દિવસે રોઝ કે રોઝ બુકે આપવાનો ટ્રેન્ડ હતો. પરંતુ સમયની સાથે વેલેન્ટાઈનની ગીફ્ટનો ટ્રેન્ડ પણ બદલાતો જાવા મળી રહ્યો છે. યંગસ્ટર્સમાં રોઝની સાથે-સાથે ચોકલેટ બુકે ટેડીબેર, જુદા જુદા પસંદગીના મોહાઇલ ફોન, ઘડિયાળો તથા વિવિધ પ્રકારની ગીફ્ટનું ચલણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ મન મુકીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોવાથી બજારો વેલેન્ટાઈન ગીફ્ટથી ઉભરાઈ રહ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બે દસકા પહેલા વેલેન્ટાઈન-ડેની ઉજવણી માત્ર થોડા લોકો પુરતી જ સીમિત હતી.
પરંતુ સેટેલાઈટ ટેલિવીઝન અને મોબાઈલ-ઈન્ટરનેટમાં આવેલી ક્રાંતિના કારણે છેલ્લા એકાદ દસકાથી પણ વેલેન્ટાઈન ડેનું મહત્વ ઘણું વધ્યું છે. પહેલા માત્ર પૈસાદાર યંગસ્ટર્સ માટે સીમિત બનેલો વેલેન્ટાઈન ડેની આજે તમામ વર્ગના લોકો ઉજવણી કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં યંગસ્ટર્સ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં હોવાથી શહેરના બજારમાં વેલેન્ટાઈન ડેની ગીફ્ટની રેલ આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
પહેલા રોઝ કે રોઝ બુકેની ગીફ્ટ પોતાના પ્રિય પાત્રને આપવામાં આવતી હતી પરંતુ સમયની સાથે-સાથે રોઝનું સ્થાન ચોકલેટ બુકે અને ટેડીબેરે લઈ લીધું છે યંગસ્ટર્સમાં ચોકલેટ બુકેનો ક્રેઝ હોવાના કારણે ચોકલેટ બુકે બનાવનાર માટે વેલેન્ટાઈન ડે સિઝન બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને હાર્ટશેપના ડિઝાઈનર ગીફ્ટ સાથે ચોકલેટ મુકવાની માંગ હોય છે. ચોકલેટનો ઉપયોગ કર્યા બાદ પણ બુકે કે ગીફ્ટ શો પીસમાં મુકી શકાય તેવી રીતે ચોકલેટ બુકે તૈયાર થાય છે. કેટલાક યંગસ્ટર્સ ચોકલેટ પર પોતાના પ્રિય પાત્રના ફોટો સાથે પ્રેમના સંદેશ લખે છે.