અમદાવાદઃ વર્તમાન સમયમાં યુવાઓ જે રીતે સામાજીક જવાબદારી સાથે આગળ આવી રહ્યાં છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આવા જ યુવાઓનું સમુહ ધરાવતી શહેરની જાણીતી સખાવતી સંસ્થા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પણ સતત દસમાં વર્ષે ખૂબ જ અનોખી રીતે કેન્સર સામે લડત આપી રહેલા બહાદુર બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી.
મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડેને અનેક રીતે યાદગાર બનાવી શકાય છે, પણ જો તેની ઉજવણી ઉમદા હેતુ સાથે જોડાયેલી હોય તો તે જીવનપર્યત અવિસ્મરણીય બની રહે છે. આ જ ઉદ્દેશ સાથે વિ હેલ્પ ફાઉન્ડેશન સતત દસ વર્ષથી કેન્સર સામે લડત આપી રહેલા બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરતી આવી છે. આ ઉજવણી દરમિયાન બાળકોએ જાદુનો શો તથા લાઇવ મ્યુઝિક શોનો ભરપુર આનંદ માણ્યો હતો. બાળકોના માતા-પિતા અને વાલીઓએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજિત કરી બાળકોને આનંદ-મોજ-મજા કરાવવા માટે સંસ્થાના કાર્યની પ્રસંશા કરી હતી.
આ વિશે વિ હેલ્પ ફાઉન્ડેશનના સંસ્થાપક નિરવ શાહે જણાવ્યું કે, સતત દસ વર્ષથી અમે આ બહાદુર બાળકો સાથે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મેજીક શો, લાઇવ મ્યુઝિક શો, વગેરે. રજૂ કરી બાળકોના ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરી બાળકોની હિંમતને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિ હેલ્પ ટીમે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી છે. ઉપરાંત, આમંત્રિત મહેમાનો અને દાતાઓએ પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેઓના સહકાર માટે સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે.
આ વિશે વિ હેલ્પ તરફથી વિપુલ સથવારાએ જણાવ્યું કે, આયોજિત કાર્યક્મ સાથે સંસ્થા દ્વારા બાળકોને રોજીંદા જીનવમાં ઉપયોગી નીવડે તેવી 20 વસ્તુઓ ધરાવતી એક શુભેચ્છા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ જ મનોરંજન બની રહે તે માટે મેજીક શો અને પરંપરાગત વાદ્ય રાવણ હથ્થામાંપારંગત કલાકાર દ્વારા જીવંત સંગીત રજૂ કરી બાળકોને મનોરંજન પુરૂં પાડ્યું હતું. બાળકો સાથે ધીંગામસ્તી, મોજ મજા અને અનંદની પળો સંસ્થા માટે યાદગાર બની રહેશે.
આ કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવકો ઉપરાંત આમંત્રિતો પણ જોડાયા હતા અને બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સંસ્થા દર વર્ષે જરૂરિયાત બાળકો માટે ચેરીટી શો – ગુજરાતી નાટકનું આયોજન કરે છે, જેમાં ઉદાર હાથે દાતાઓ તરફથી સહકાર મળતો આવ્યો છે.