ઉતરાયણનો તહેવાર એટલે મોજ મસ્તી અને બિન્દાસ્ત બની ચીચીયારીઓ કરવાનો તહેવાર. ઉતરાયણમાં લોકો પતંગ ચગાવવા ધાબા પર વધુ રહેતા હોય છે. આખો દિવસ ધાબા પર રહેવાથી પવન, તડકો અને ધૂળનો સામનો પણ કરવો પડતો હોય છે. તેથી સ્કીન, આંખો અને વાળને પણ નુક્સાન થાય છે. અહીં આપણે એવી કેટલીક ટિપ્સ વિશે જાણીશું જે તમને ઉતરાયણમાં કેર કરવામાં મદદ કરી શકે.
- ઉતરાયણમાં આખો દિવસ ધાબા પર પવન અ તડકામાં રહેવાથી સ્કિન ટેન થઈ જવાની શક્યતા વધી જાય છે. તેથી સ્કીન પર દિવસમાં બે ત્રણ વાર મોસ્ચ્યુરાઈઝર લગાવવું જોઈએ. હોઠ ફાટી ન જાય તે માટે હોઠ પર થોડા થોડા સમયે લીપબામ લગાવવું જોઈએ.
- વાળની કાળજી રાખવા માટે વાળને કોરા ન રાખો. ઉતરાયણનાં આગલા દિવસે વાળમાં તેલ નાખીને સવારે ધોઈ લો. ભીના વાળમાંજ હેર સીરમ લગાવી લો. જેનાથી વાળ પર પ્રોટેક્શનનું એક લેયર આવી જશે. જેથી પોલ્યૂશનથી વાળને બચાવી શકાય છે.
- આખો દિવસ તડકામાં ઉભા રહેવાથી શરીરમાંથી પણ મિનરલ ઘટી જતું હોય છે. તેથી દર કલાકે કંઈક લીક્વીડ લેતાં રહેવું જોઈએ. તમે છાશ, લીંબુ પાણી, ફ્રુટનાં જ્યૂસ કે નાળીયેર પાણી પણ લઈ શકો છો. સાથે સાથે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પીવુ જોઈએ જેથી ડિહાઈડ્રેશન થવાની શક્યતા ન રહે.
- ધાબા પર પગનાં તળીયા રફ થઈ જતાં હોય છે. આથી આખો દિવસ પગમાં તલનું તેલ અથવા મોશ્ચ્યુરાઈઝર ક્રિમ લગાવીને મોજા પહેરી રાખવા જોઈએ.
- આંખોને સાચવવા સારી ક્વોલિટીવાળા સનગ્લાસ પહેરી રાખવા જોઈએ. શક્ય હોય તો દિવસમાં ત્રણ ચાર વાર આંખોને ઠંડા પાણીથી છાલક મારીને ધોવી જોઈએ.
આમ, આ ઉતરાણમાં પતંગની મસ્તીની સાથે તમારી સુંદરતાને પણ જાળવી રાખો.