આ રીતે મતદારોએ કરી પ્રજાતંત્રના મહાપર્વની અનોખી ઉજવણી
ખબરપત્રી (અમદાવાદ): ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રજાતંત્રના મહાપર્વ ઉજવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની ફરજ બજાવી, પણ આ રીતે મતદારોએ કેરલી ઉજવણી એ ખરેખર બિરદાવવા લાયક છે.આવી જ એક ઉજવણી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અગ્રવાલ ફ્લેટના રહીશો દ્વારા કરવામાં આવી. ૧૪ ડિસેમ્બરે મતદાનના દિવસે સવારે ૮ કલાકે આશરે ૩૫૦ જેટલા ફ્લેટના રહીશો ફ્લેટના કેમ્પસ એરિયામાં એકઠા થયા અને સમૂહમાં ચા-નાસ્તો કરી, ગરબાના તાલે ઝૂમી મહાપર્વની ઉજવણી કરી. ૯:૩૦ ઢોલ-નગારા સાથે એક સમૂહના રૂપમાં મતદાન કેન્દ્ર પર જઇ પોતાની મતદાન કરવાની ફરજ નિભાવી હતી અને લોકોને મતદાન કરવા માટે વોટ અપીલ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે અગ્રવાલ ફ્લેટના સેક્રેટરી અંકિત ભાવસારે જણાવ્યું કે અમારા અગ્રવાલ ફ્લેટના રહીશો હંમેશા લોકો માટે ઉદાહરણરૂપ બન્યા છે, અહીં અમે પરિવારના સભ્યોની જેમ જ દરેક પર્વની ઉજવણી હર્ષોલ્લાસથી કરતાં હોઇએ છીએ, તો આ તો પ્રજાતંત્રનું મહાપર્વ છે તો આ ઉજવણી તો કરવી જ રહી. અમે સૌ અગ્રવાલની રહીશો એક સાથે મતદાન કરવા જઇ અમારી એક્તાને વધુ મજબૂત બનાવી છે અને લોકો માટે ઉદાહરણરૂપ બન્યા છીએ.