અમદાવાદ: રાજ્યમાં સુનામી સામે સજ્જતા કેળવવાના ભાગરૂપે રાજ્ય સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. કચ્છ અને જામનગર જિલ્લાના ચાર ગામોમાં સુનામીની સૌથી તીવ્ર અસર થઇ હોય એ રીતે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવાયા હતા, અને ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્ય કારોબારી અધિકારી અનુરાધા મલ્લના માર્ગદર્શનમાં તમામ વિભાગોના વડાઓએ તાકીદે બેઠક કરીને કચ્છ અને જામનગર જિલ્લા સાથે સતત સંપર્કમાં રહીને આપાતકાલીન પગલાંઓ લીધા હતા. સવારે ૧૧-૩૦ વાગ્યે શરૂ થયેલી આ સુનામી મોકડ્રીલ સાંજ સુધી ચાલી હતી. ગુજરાતમાં કચ્છ, જામનગર, પોરબંદર, ભરૂચ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ સુનામી સંભવિત વિસ્તારો છે.
આ સંભાવનાને ધ્યાને લઇને ગુજરાત પણ ઇન્ડિયન ઓસન વાઇડ સુનામી મોકડ્રીલમાં જોડાયું હતું. સુનામીની ચેતવણી પ્રસરણ પ્રણાલીની અસરકારકતાનું મુલ્યાંકન કરવા, સુનામી પ્રત્યેની સજ્જતા કેળવવા અને આકસ્મિક ઘટનાઓ-કુદરતી આપત્તિઓ સામેના પ્રતિભાવની ક્ષમતાઓનું મુલ્યાંકન કરવા તથા સંકલન સુધારવા માટે સુનામી મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોકડ્રીલના ભાગરૂપે આજે સવારે ૧૧-૩૦ કલાકે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઇન્ફર્મેશન સર્વિસ તરફથી રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સંદેશો મળ્યો હતો કે, ઇરાનના કાંઠે ૨૪.૮ ઉત્તર અને ૫૮.૨ પૂર્વ દિશામાં ૯.૦ મેગ્નિટ્યૂડ તીર્વ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપથી સુનામીની સંભાવના છે. ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માસ્કા અને જનકપુર તથા જામનગર જિલ્લાના દિગ્વિજયગ્રામ તથા બાલાછડીને સુનામીની ગંભીર અસર પહોંચી શકે છે.
આવો સંદેશો મળતાં જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત નિયામક એમઆર કોઠારી, જીવી મુંગલપરા અને વરિષ્ઠ અધીકારીઓએ યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું હતું. રાજ્યના મુખ્યસચિવ કક્ષાએ જાણ કરીને કચ્છ અને જામનગર જિલ્લાના કલેકટરોને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રો પણ તુરંત જ સક્રિય થઇ ગયા હતા અને મોકડ્રીલ શરૂ થઇ ગઇ હતી. કચ્છ અને જામનગર જિલ્લા કલેકટરોએ પોતપોતાના જિલ્લાઓમાં અધિકારીઓની ઇમરજન્સી બેઠકો બોલાવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગાંધીનગરના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લાઓની જરૂરિયાતની પૃચ્છા કરીને આવશ્યક મદદ પહોંચાડવાના આદેશો કરવામાં આવ્યા હતા.
ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અનુરાધા મલ્લના અધ્યક્ષપદે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વાયુસેના, કોસ્ટગાર્ડ, એસઆરપીએફ, સીઆરપીએફ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડ, પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં સુનામી આવે તો રાજ્ય સરકારના વિભાગો અને વહીવટી તંત્ર કઇ રીતે કામગીરી કરશે એ માટેની આ મોકડ્રીલ દિવસભર ચાલી હતી. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી અનુરાધા મલ્લે મોકડ્રીલના અંતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.