વારસો દબાઈ રહ્યો છે વારસો ઘસાઈ રહ્યો છે
અતુલ્ય વારસો દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઐતિહાસિક વારસાની જાળવાણી થાય અને તેને ઉજાગર કરવા માટે લોકોમાં જાગ્રુતિ વધે તે માટે અવિરત પ્રયાસો ચાલી રહ્યા છે, તે પૈકી નિયમિત રીતે અમદાવાદ નજીકનાં હેરિટેજ શહેરોની યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હેરિટેજ રસિકો અને આ વિષય પર કામ કરતા લોકો નિયમિત જોડાય છે.
આ યાત્રાના ભાગરૂપે આ રવિવારે કપડવંજનાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપડવંજ શહેરના કુંડવાવ, કિર્તીતોરણ, વ્હોરવાડ, કાષ્ટકલાના મકાનો, બત્રીસ કોઠાની વાવ વગેરે સ્થળોની મુલાકાત લઈ તેના ઈતિહાસની માહિતી મેળવાઈ અને વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો.
અહી ૧૦મી સદીથી લઈને ૧૯મી સદી સુધીના અવશેષો પ્રાપ્ત થાય છે અને મુખ્ય બે સ્મારક કુંડ અને વાવ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ શહેરના તમામ સ્મારકોની હાલત હાલમાં ઘણી જ કફોડી છે. ઐતિહાસિક સ્મારકોમાં દબાણ વધી રહ્યા છે અને તેનું પૌરાણિક બાધકામ ખવાઈ અને ઘસાઈ રહ્યું છે. વ્હોરવાડનાં જુના મકાનો ક્યાંક તૂટી રહ્યા છે તો ક્યાંક અદભુત કાષ્ટકળા ધરાવતા મકાનો નાશથી રહ્યા છે. પૌરાણિક વાવની આસપાસ દબાણ વધી રહ્યું છે અને જૂની દીવાલ ઘસાઈ રહી છે.
હાલમાં લાલ કિલ્લો અને રાણ કી વાવ જેવા મોટા અને સારા સ્થાપત્યો માટે મોટી કંપનીઓ દત્તક લેવા આગળ વધી રહી છે જ્યારે આવા નાના નાના શહેરો જ્યાં અતિ મહત્વના સ્મારકો આવેલા છે ત્યાં કોઈ પણ એજન્સી, સરકાર, કંપની હાથ લગાવવા તૈયાર નથી.
આવા જરૂરિયાત ધરાવતા ગુજરાતના ઐતિહાસિક શહેરોનો વિકાસ થાય અને આવા સ્મારકોમાં પીપીપી મોડેલ તરીકે વિકાસ થાય તેવી માગ તમામ ટીમ દ્વારા કરવામાં આવી હતી.