આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ મેચ અમદાવાદમાં રસાકસી થશે
આઈપીએલની પ્રથમ જ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ટાઈટલ જીત્યું હતું તે વખતે ટીમનો કેપ્ટન શેન વોર્ન હતો. જેનું ફેબ્રુઆરી માસમાં નિધન થયું હતું. આમ રાજસ્થાન પોતાના ભૂતપૂર્વ સુકાનીને અંજલિ આપવા માટે આ વખતે ટાઈટલ જીતવા મરણિયો પ્રયાસ કરશે. જ્યારે બીજી તરફ, પોતાની પ્રથમ જ સિઝનમાં રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ ટાઈટલ જીતીને યાદગાર પ્રારંભ કરવાનો પ્રયાસ કરશે.
આમ, રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઈનલ રોમાંચક બની રહે તેવી સંભાવના છે. બીજી તરફ બેંગ્લોરની ટીમ વધુ એક ટાઈટલ જીતવાથી વંચિત રહી ગઈ છે. રાજસ્થાન રોયલ્સને આઈપીએલની પ્રથમ સીઝનમાં ટાઈટલ અપાવનારા શેન વોર્નની આજે અમને ખોટ સાલી રહી છે, પરંતુ મને ખાતરી છે કે શેન વોર્ન આજે જ્યાં હશે ત્યાં ગર્વ અનુભવી રહ્યો હશે આ શબ્દો શુક્રવારે શાનદાર સદી ફટકારીને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે ભવ્ય વિજય અપાવનારા જાેસ બટલરના છે.
આઈપીએલની શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-૨ મેચમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે ભવ્ય દેખાવ કર્યો હતો. લગભગ એક તરફી બની ગયેલી આ ટી૨૦ ક્રિકેટ મેચમાં બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૭ રન નોંધાવ્યાં હતાં, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ વટાવ દીધો હતો. હવે રવિવારે રમાનારી મેગા ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ટુર્નામેન્ટની હોટ ફેવરીટ બની ગયેલી હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ સામે થશે.
મેચના પ્રારંભથી જ રોયલ્સના બોલર્સ છવાઈ ગયાં હતાં અને બેંગ્લોરના બેટ્સમેન પર અંકુશ જમાવી દીધો હતો. વિરાટ કોહલી સસ્તાંમાં આઉટ થઈ ગયા બાદ રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેના ૫૮ રનને બાદ કરતાં બેંગ્લોરનો કોઈ બેટ્સમેન ટીમની પ્રતિષ્ઠાને અનુરૂપ બેટિંગ કરી શક્યા નહોતા. રાજસ્થાન માટે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ ૧૫૮ રનના સાવ સામાન્ય ટાર્ગેટ સામે જાેસ બટલર અને યશસ્વી જયસ્વાલે આક્રમક પ્રારંભ કરીને ટીમનો વિજય આસાન બનાવી દીધો હતો.
બટલરે એકલા હાથે જ ટીમને સફળતા અપાવતા ૬૦ બોલમાં અણનમ ૧૦૬ રન બનાવ્યાં હતાં. તેણે ૧૦ ચોક્કા ઉપરાંત છ સિક્સર ફટકારી હતી.