નવી દિલ્હી : પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ૪૦ જવાનોના મોત અને ત્યારબાદ ભારત દ્વારા બદલો લેવા માટે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદીઓના અડ્ડાઓ પર કરવામાં આવેલા ભીષણ હવાઇ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખુબ વિસ્ફોટક બનેલા છે ત્યારે દેશમાં ત્રાસવાદી હુમલાનો ખતરો હજુ તોળાઇ રહ્યો છે. વારંવાર ઇન્ટેલિજન્સ રિપોર્ટ પર આવી ચુક્યા છે.
આ ઉપરાંત પુલવામા હુમલા બાદ પણ રિપોર્ટ આવ્યા હતા કે આત્મઘાતી બોમ્બરો મોટા પાયે દેશના જુદા જુદા ભાગોમાં હુમલા કરી શકે છે. આ બાબતની કબુલાત ભારત દ્વારા પોકમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. ભારતે હવાઇ હુમલા કર્યા બાદ સરકાર તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ હતુ કે આત્મઘાતી હુમલા કરવા માટે બોમ્બરો તૈયાર હતા જેથી દેશની સુરક્ષાને ધ્યાનમાં લઇને ત્રાસવાદી કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા હતા. પુલવામા હુમલા બાદ એવી બાતમી પણ મળી છે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે. આ રાજ્યોમાં મલ્ટીપલ બ્લાસ્ટ જાહેર સ્થળો પર કરવામાં આવી શકે છે. જેમાં રેલવે સ્ટેશન, મંદિરો અને આયકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે. પુલવામા હુમલામાં સામેલ રહેલા એક શખ્સ દ્વારા હુમલાને અંજામ આપવામાં આવી શકે છે. આ શખ્સ જેશે મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે. આ બાતમી મળ્યા બાદ વેસ્ટર્ન રેલવે દ્વારા ઓવરઓલ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ સહિત દેશના તમામ રેલવે સ્ટેશન અને ભરચક રહેતા વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભીષણ ત્રાસવાદી હુમલા અંગે ગુજરાત તરફથી ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. ૨૨મી ફેબ્રુઆરીના દિવસે મુંબઇ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને બાવનગરમાં આરપીએફના વડાઓને ચર્ચગેટમાં આઇજીની ઓફિસ દ્વારા પત્ર મોકલીને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. આરપીએફ જવાનોને અન્ય રાજ્યો સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. સાથે સાથે કઠોર સુરક્ષા રાખવા માટે સુરક્ષા સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. વરિષ્ઠ અધિકારીઓએ કહ્યુ છે કે તમામ સંવેદનશીલ વિસ્તારોની યાદી તમામ સુરક્ષા સંસ્થાઓને સોંપી દેવામાં આવી છે.
સુરક્ષા એલર્ટના અનુસંધાનમાં વેસ્ટર્ન રેલવે આરપીએફે ૨૭મી અને ૨૮મી ફેબ્રુઆરીના દિવસે મુંબઇ જીઆરપી ઓફિસરોની સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હત. આ બેઠકમાં જુદી જુદી ટ્રેનો અને રેલવે સ્થળો પર સુરક્ષા પાસાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તમામ પોસ્ટ એલર્ટ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ અને જીઆરપી સાથે સંકલન કરીને તમામ જરૂરી પગલા લેવા માટે કહેવામાં આવ્યુ છે. યાત્રીઓની અને તેમના સામાનની ચકાસણી હવે આરપીએફ અને જીઆરપીની સાથે મળીને કરવામા ંઆવનાર છે. મોટી સંખ્યામાં આના માટે કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. જાગૃતિ જગાવવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.