રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હવે ટ્રાફિક નિયમો તોડનારાઓને ઇ-મેમો સાથે તેમની સામે હ્લૈંઇ પણ દાખલ કરવામાં આવશે. અને જો ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. જાહેરહિતની અરજીમાં અરજદારે ૧૨૦ કરોડના દંડની વસુલાત નહીં થઇ હોવાની રજૂઆત કરી છે. જો ૬ મહિના સુધી પ્રોસિક્યુશન દાખલ ના થાય તો ઈ-મેમો પર કાર્યવાહી ન થઈ શકે એવી સ્થિતિ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી આગામી ૧ જુલાઈએ કરવામાં આવશે.