અમેરિકાના કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં રોમાંચક અને દિલધડક કાર્યક્રમ વચ્ચે ૯૦માં ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી તમામ ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ વખતે ઓસ્કારમાં ‘ધ શેપ ઓફ વોટરે’ બાજી મારી દીધી હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આ ફિલ્મ લઇ ગઇ હતી. આ ઉપરાંત ફિલ્મને બીજા ત્રણ એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ડિરેક્શન, ઓરિજિનલ સ્કોર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન માટે પણ આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. આ વખતે ‘ધ શેપ ઓફ વોટર’ ફિલ્મને ઓસ્કાર માટે ૧૩ જુદી જુદી કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યા બાદથી આ ફિલ્મને લઇને ચર્ચા હતી. કુલ ચાર એવોર્ડ આ ફિલ્મે જીતી લીધા છે. ઓસ્કાર એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત હજુ સુધી સૌથી વધારે નોમિનેશનવાળી ફિલ્મોમાં આ ફિલ્મ સામેલ થઇ હતી. આ અગાઉ ઓલ અબાઉટ યુ, ટાઇટેનિક અને લા લા લેન્ડને સૌથી વધારે નોમિનેશન મળ્યા હતા. ગિયેરમો દેલ તોરોને સર્વશ્રેષ્ઠ નિર્દેશક માટેનો એવોર્ડ મળ્યો હતો.
મેક્સિકોના આ નિર્દેશકને આ વર્ષે ગોલ્ડન ગ્લોબ, દ ક્રિટિક્સ ચોઇસ અને બાફ્ટા એવોર્ડ પણ જીતી લીધા હતા. તોરોએ તેમની કેટેગરીમાં રહેલા ક્રિસ્ટોફર નોલન, જોર્ડન પિલે, ગ્રેટા ગાર્વિન, પોલ થોમસને પછડાટ આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોઇપણ મેક્સિકોના લોકોને ચોથી વખત આ એવોર્ડ મળ્યો છે. બીજી બાજુ અભિનેતા ગેરી ઓલ્ડમેનને ડાર્કેસ્ટ અવરમાં બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલની ભૂમિકા અદા કરવા બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. બીજી બાજુ થ્રી બિલબોર્ડ્સ આઉટ સાઉટ અબિંગ મિઝોરી માટે ફ્રાન્સેસ મેકડોર્મેટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. કોલ મી બાય યોર નેમના સ્ક્રિપ્ટ રાઇટર જેમ્સ આઇવરીને સૌથી મોટી વયમાં એવોર્ડ મળ્યો હતો. ૮૭ વર્ષની વયમાં તેમને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
‘ધ શેપ ઓફ વોટર’ ફિલ્મ કોલ્ડવોર ઉપર આધારિત છે. આ ફિલ્મની પટકથા એક બોલી ન શકનાર મહિલા પર આધારિત હતી. આ મહિલા અમેરિકાના બાલ્ટીમોરની એક ગુપ્ત લેબોરેટરીમાં કામ કરે છે. ફિલ્મમાં આ મહિલા એલિશાની ભૂમિકાને સેલી હોકિન્સે જોરદારરીતે અદા કરી છે. તેની લાઇફમાં તે વખતે જોરદાર ફેરફાર થાય છે જ્યારે તે દરિયામાં રહેનાર એક રહસ્યમય જીવના પ્રેમમાં પડે છે.