દેશમાં ખેડુતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. તેમની ખરાબ થઇ રહેલી હાલતને ધ્યાનમાં લઇને હવે ખેડુતોના પુત્રો ખેતી કરવા માટે ઇચ્છુક નથી. ખેડુતોના પુત્ર ખેડુત બનવાની બિલકુલ ઇચ્છા ધરાવતા નથી. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ભારતને અનાજ અને કૃષિ તેવા ક્ષેત્રમાં પણ અન્યો પર આધાર રાખવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતીમાં ખેડુતોની સ્થિતીને વધારે મજબુત નાણાંકીય રીતે અને ખેતીવાડીની દ્રષ્ટિએ મજબુત કરવાની જરૂર છે. ખેડુતોના પુત્ર જો ખેડુત બનશે નહીં તો ખેતીને માઠી અસર થઇ શકે છે.
હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કૃષિની જે હાલત થઇ રહી છે તેના કારણે ખેડુતોના પુત્રો વાકેફ થઇ રહ્યા છે. આંકડા પર ધ્યાન આપવામા આવે તો કહી શકાય છે કે વર્ષ ૨૦૦૪થી લઇને ૨૦૧૨ વચ્ચેના ગાળામાં જ ૧૪.૧ કરોડથી વધારે ખેડુત ઘટી ગયા છે. ૧૪-૧૮ વર્ષની વયના ગ્રામીણ યુવાનોને આવરી લઇને કરવામા આવેલા સર્વેમાં દાવો કરવામા આવ્યો છે કે ખેડુતોના પુત્ર ખેડુત તરીકે રહેવા માટે ઇચ્છુક નથી. સર્વેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ૧.૨ ટકા યુવાનો જ ખેડુત બનવાની ઇચ્છા ધરાવે છે. ખેડુતોની આવક ઓછી રહી છે. જેના કારણે યુવાનોને અને ખાસ કરીને ખેડુત પુત્રોને તમામ બાબતોથી દુર કરી રહી છે. નેશનલ સેમ્પલ સર્વેના આંકડા પર નજર કરવામાં આવે તો પ્રતિ મહિનામાં ખેડુતોની સરેરાશ આવક ૬૪૨૬ રૂપિયા છે.જેમાં ખેતીથી આવક ૩૦૭૮ જેટલી છે. જ્યારે પશુઓથી આવક ૭૬૫ રૂપિયા છે. મજદુરીથી આવક ૨૦૬૮ રૂપિયાની આસપાસ છે.
અન્ય સ્ત્રોતથી આવક ૫૧૪ રૂપિયા છે. ખેડુતોના પુત્રો હવે કૃષિથી દુર થઇને અન્ય ક્ષેત્રોમાં કેરિયર બનાવવા માટેની ઇચ્છા ધરાવે છે. ૭૬ ટકા કરતા વધારે ખેડુત પુત્રો ખેતી સિવાય હટીને અન્ય કામ કરવા માટેની ઇચ્છા રાખે છે. ભવિષ્યની વાત કરતા ખેડુત પુત્રો કહે છે કે તેઓ પરિવારમાં ખેતીમાં મદદ કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને કેરિયર તરીકે લેવા માટે ઇચ્છુક નથી. સરકાર દ્વારા ખેડુતોની આવક બે ગણી કરવાની દિશામાં સતત પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ તેમના તરફ હજુ વધારે ધ્યાન આપવા અને તેમની આવક એક મજબુત સ્તર સુધી પહોંચાડી દેવા માટેની રહે તે જરૂરી છે.નાણામંત્રી નિર્મલા સીતારામને પાંચમી જુલાઇના દિવસે સંસદમાં બજેટ ૨૦૧૯ રજૂ કરતા કેટલીક સારી જાહેરાત કરી હતી.
ખેડૂતો અને ગ્રામિણ વિસ્તારો માટે પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં બાકી સેક્ટરની સાથે સાથે કૃષિ સેક્ટર માટેની પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. ખેડૂતો અને ગ્રામિણ ભારત માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. આગળ પણ નવી યોજનાઓ રજૂ કરવામાં આવનાર છે. સીતારામને મહાત્મા ગાંધી દ્વારા કહેવામાં આવેલી વાતથી આની શરૂઆત કરી હતી. સરકાર પણ નક્કર રીતે માને છે કે અસલી ભારત ગ્રામિણ વિસ્તારમાં રહે છે. ગામ અને ખેડૂત તેમની દરેક યોજનાના કેન્દ્રબિંદુ સમાન છે. ખેડૂતના જીવન અને કારોબારને સરળ બનાવવા માટે દરેક કામ કરવામાં આવશે. સીતારામને કહ્યું હતું કે, સરકાર કૃષિ સંરચનામાં જંગી રોકાણ કરવા ઇચ્છુક છે. સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેડૂતોની પેદાશો સાથે જોડાયેલા કામોમાં ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ૨૦૨૪ સુધી દરેક ગામના દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. દરેક ઘરમાં ટાંકીથી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ કામ જળજીવન મિશન હેઠળ કરવામાં આવશે. દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાને પ્રાથમિકતા અપાશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસ યોજના ગ્રામિણ હેઠળ ૨૦૧૯-૨૦થી ૨૦૨૧-૨૨ સુધી લાયક લાભાર્થીઓને ૧.૯૫ કરોડ મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં રાંધણગેસ, વિજળી અને શૌચાલયો જેવી સુવિધા રહેશે.