બેંગલુરુ : ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોલોનીઓથી લઈને રસ્તાઓ સુધી ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા હતા. રોડથી લઈને ટ્રેન અને એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાઈ ગઈ. ઘણી ટ્રેનો અને ફ઼લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે લો પ્રેશર એરિયા ડિશનમાં ફેરવાઈ ગયું છે અને 17 ઓક્ટોબરે સવારે ચેન્નાઈના દરિયાકાંઠેથી પસાર થવાની શકયતા છે.
ચેન્નાઈ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં બસ સેવા ખોરવાઈ ગઈ હતી. દક્ષિણ રેલ્વેએ ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાની અને અન્ય કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન કરવાની જાહેરાત કરી છે. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે પૂરતી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ સુધી પહોંચી શકયા ન હોવાથી ઘણી ડોમેસ્ટિક ફલાઇટ્સ રદ કરવી પડી હતી. હવામાન વિભાગની ચેતવણીને પગલે રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલુર, કાંચીપુરમ અને ચેંગલપેટ જિલ્લામાં 16 ઓક્ટોબરે આવશ્યક સેવાઓ સિવાય તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. અધિકારીઓની દેખરેખ હેઠળ વિવિધ જિલ્લાઓમાં રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.
કર્ણાટકની રાજધાની બેંગ્લોર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પુડુચેરીમાં પણ 16મી ઓક્ટોબરે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કર્ણાટક સરકારે ભારે વરસાદની આગાહીને કારણે બેંગલુરુ શહેર જિલ્લામાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જગદીશે આદેશ આપ્યો અને શહેરના તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રો, સરકારી અને ખાનગી શાળાઓ માટે રજા જાહેર કરી. વાલ્મીકિ જયંતિ નિમિત્તે સરકારી રજા હોવાથી રાજ્યમાં 17 ઓક્ટોબરે પણ શાળાઓ બંધ રહેશે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કર્યા બાદ તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ પ્રદેશોમાં આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 16 ઓક્ટોબરે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ માટે આવશ્યક સેવાઓ સિવાય રજા જાહેર કરી છે. તમિલનાડુ સરકારે તેની એડવાઈઝરીમાં ખાનગી સંસ્થાઓને તેમના કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ વિકલ્પ આપવા જણાવ્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર (આરએમસી) એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનો નીચા દબાણનો વિસ્તાર 15 ઓક્ટોબરના રોજ સારી રીતે ચિહ્નતિ ઓછા દબાણવાળા વિસ્તારમાં તીવ્ર બન્યો હતો અને તે ડિપ્રેશનમાં તીવ્ર થવાની સંભાવના છે. તે જ સમયે, દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરથી ઉત્તર- પશ્ચિમ તરફ ઓછા દબાણના વિસ્તારની હિલચાલને કારણે, આંધ્ર-દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે હવામાન પ્રણાલી આજે સાંજે 5.30 વાગ્યે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં, ચેન્નાઈથી લગભગ 490 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને નેલ્લોરથી 590 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતી. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 17 ઓક્ટોબરની સવારે ડિપ્રેશન તરીકે ચેન્નાઈ નજીક પુડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, કેટલાક અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબર સુધી તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ભારે પવનની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારતમાંથી સંપૂર્ણ વિદાય લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પ ભારતમાં ઉત્તર-પૂર્વ ચોમાસાનું આગમન શરૂ થઈ ગયું છે. દેશમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય 868.6 મીમીની સરખામણીમાં 934.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે 2020 પછીનો સૌથી વધુ છે.