અમદાવાદ : રાજ્યમાં ઓછાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોને ભારે હાલાંકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેથી ઓછા વરસાદને લઈને હવે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વરસાદની અછત અને પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે આજે રાજય સરકારે ખેડૂતોને ઘાસચારો પૂરો પાડવાની મહત્વની જાહેરાત કરી હતી. જેને લઇ વરસાદી અછત અને દુકાળના એંધાણ જેવી પરિસ્થિતિમાં પશુઓ માટેનો ઘાસચારો ખેડૂતોને ઘણા ટેકારૂપ બની રહેશે. સરકારના આ નિર્ણયને લઇ ખેડૂતોમાં કંઇક અંશે રાહત બંધાઇ છે.
રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ રાજયના ૪૪થી વધુ તાલુકાઓમાં સરકાર દ્વારા હવે ઘાસ આપવામાં આવશે. પશુ ઘાસચારા માટે ખેડૂતોને કાર્ડ પણ આપવામાં આવશે. જેના આધારે પશુ દીઠ ખેડૂતોને દૈનિક ૪ કિલો જેટલું ઘાસ આપવામાં આવશે. ઘાસનો આ ખર્ચ રાજ્યનાં બજેટમાંથી જ કરવામાં આવશે. ખેડૂતોને તેમના પશુધન માટે ઘાસચારો આપવાનો મોટાભાગનો ખર્ચો સરકાર ભોગવશે અને ખેડૂતોને રાહત આપશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૨૧૫ તાલુકામાંથી ૪૪ તાલુકામાં ૧૨૫ મિ.મીથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
સિઝનમાં અત્યાર સુધીમાં ૫૪ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જે કારણોસર ઓછાં વરસાદને લઇને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જેમાં રાજયના ૪૪થી વધુ તાલુકાઓમાં ગુજરાત સરકાર દ્વારા પશુ દીઠ ખેડૂતોને દૈનિક ૪ કિલો ઘાસ આપવામાં આવશે. જ્યારે ઘાસ ૨ રૂપિયે ૧ કિલો આપવામાં આવશે. નોંધનીય છે કે, આજે રાજયના ઘણા ખરાં વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાએ શરૂઆતમાં તો દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. પરંતુ હવે આ વખતે ગુજરાતમાં વરસાદને લઇ સંકટ ઉભું થાય તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. જેથી ગુજરાત સરકાર દ્વારા ઘાસ આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં કંઇક રાહતની લાગણી જન્મી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, જગતનો તાત રાજયમાં સારા વરસાદની રાહ જાઇને બેઠો છે.