છેલ્લા, થોડા સમયથી કેરળમાં ‘નિપાહ’ નામના વાયરસે તરખાટ મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યમાં ‘નીપાહ’ વાયરસ ન પ્રવેશે તે માટે અગમચેતીના ભાગરુપે પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીક સૂત્રોના મતે, સરકારી હોસ્પિટલોમાં તબીબોને નીપા વાયરસના લક્ષણો હોય તો દર્દીને કેવી સારવાર આપવી તેના માર્ગદર્શન સાથે સતર્ક રહેવા સૂચના આપી દેવાઇ છે. આ ઉપરાંત નીપા વાયરસના લક્ષણો દેખાય તો, દર્દીને તાકીદની સારવાર આપવા પણ જણાવી દેવાયુ છે.
ચામાચિડીયા અને ભૂંડમાંથી માનવીમાં નીપાહ વાયરસ પ્રસરે છે પરિણામે રાજ્યના પશુપાલન વિભાગના અધિકારીઓને પણ આ મામલે સતર્ક કરી ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવાઇ છે. જયાં ચામાચિડીયાની વસાહતો છે ત્યાં પશુપાલન વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.અમદાવાદમાં ગુજરાત કોલેજ,કાંકરિયા,કાલુપુર અને શાહીબાગ સહિતના અન્ય વિસ્તારોમાં ચામાચિડિયાની વસાહતો આવેલી છે. આ વસાહતો નીપા વાયરસને ફેલાવવાનુ એપી સેન્ટર બની શકે છે. શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી વસાહતો વધુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યાં છે કે, અત્યારે ગુજરાતમાં કોઇ ચિંતાનુ કારણ નથી આમ છતાંય તકેદારીના પગલાં લેવા જરુરી છે.