દોસ્તો, આવી ગઇ છે ફરીથી મોજ મજા કરાવનારી ઉત્તરાયણ. અને જ્યારે વાત ઉત્તરાયણની થતી હોય ત્યારે રંગબેરંગી પતંગો સિવાય મોઢું મીઠું કરાવતી ચિકીને કઇ રીતે ભૂલી શકાય? તો ચાલો જાણીએ ક્રિસ્પી તલની ચિકી બનાવવાની રેસિપી….
જરૂરી સામગ્રી :
તલ 1 કપ (150 ગ્રામ)
ખાંડ 1 કપ (150 ગ્રામ)
ઘી 2-3 ટેબલ સ્પૂન
કાજૂ- 20-25
બદામ – 15-20
પિસ્તા – 1 ટેબલ સ્પૂન (20-25)
નાની ઇલાઇચી – 7-8
રીત :
સૌથી પહેલા આ ચિકી બનાવવા માટેની તૈયારી કરી લઇએ. ચિક્કી ગેસ પરથી ઉતારીને તુરંત એને વણીને કાપવામાં આવે છે, જો આમાં વાર થઇ તો ચિક્કી કઢાઇમાં જ જામી જશે.
કાજુના નાના નાના ટુકડા કરી લો. પિસ્તાના લાંબા પતલા ટુકડા કરી લો. બદામના નાના ટુકડા કરી લો. ઇલાઇચીને છોલીને દાણા કાઢી લો.
ચિક્કી પાથરતા પહેલા પ્લેટ પર ઘી પાથરીને ફેલાવી દેવું.
હવે કઢાઇને ગરમ કરવા મુકો, તલ કઢાઇમાં નાખો, ધીમા તાપ પર તલને હલાવતા રહો, તલ ફૂલે ત્યાં સુધી અને સહેજ બદામી કલર થાય સુધી શેકો. શેકેલા તલને અલગ પ્લેટમાં કાઢી લો.
ત્યારબાદ કઢાઇમાં ધી નાંખી દો, ઘીને ગરમ થવા દો, હવે ખાંડ મીક્ષ કરો અને ગેસની ધીમી આંચ પર, સળંગ હલાવતા રહી ખાંડને ઓગળવા દો. ખાંડ પૂરી રીતે ઓગળી ગયા બાદ ગેસ બંધ કરી દો અને શેકેલા તલ ઓગળેલી ખાંડમાં નાંખી દો. કાપેલ કાજૂ, પિસ્તા અને ઇલાઇચીના દાણા નાંખી બધી વસ્તુઓને મિક્ષ કરી લો. યાદ રાખો ગેસ ધીમી આંચ પર રહેવો જોઇએ.
મિશ્રણને ઘી લગાવેલ પ્લેટ પર પાથરી દો અને વેલણ દ્વારા તેને ફેલાવી પાતળુ કરો. તરત જ ચપ્પા અથવા તાવેતા દ્વારા નાના ટુકડાઓમાં કાપી લો અને પ્લેટમાં મૂકી દો.
ખૂબ જ સારી ક્રિસ્પી તલની ચિક્કી બનીને તૈયાર છે, તલની ચિક્કીને 1 કલાક માટે ખુલ્લી હવામાં ઠંડી થવા દો.
નોંધ :
તલને શેકતી વખતે ધ્યાનમાં રાખવું કે જો તલ વધારે શેકાઇ જશે તો કડવા થઇ જશે.
ચાસણી બનાવતી વખતે પણ પૂરુ ધ્યાન રાખવું કે ખાંડ પૂરી રીતે ઓગળી જાય ત્યારબાદ ગેસ તરત જ બંધ કરી દો. ચાસણીને વધારે પકવવામાં આવે તો તે કડવી થઇ જશે.