અમદાવાદ: ગુજરાત સરકારનાં જુદા જુદા વિભાગોમાં મોટાપાયે થયેલા ભ્રષ્ટાચારમાં ગુજરાત રાજય તકેદારી આયોગને ગંભીર ફરિયાદો મળી હતી. જેમાં રાજય તકેદારી આયોગે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૦ આઇએએસ અધિકારીઓ, કલાસ-૧ અને ૨ના ૯૫૨ અધિકારીઓ તથા વર્ગ-૩ના ૪૪૬ કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરતો અહેવાલ આપ્યો છે. જા કે, હવે સરકાર આ અહેવાલ અને ભલામણને લઇ શું કાર્યવાહી કરે છે તેની પર સૌની નજર મંડાઇ છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં તા.૧૯ સપ્ટેમ્બરે ગુજરાત તકેદારી આયોગનો સંપૂર્ણ અહેવાલ મુકવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા પ્રમાણે, સમગ્ર વર્ષ દરમિયાન આ આયોગને મળેલી ૭૫૪૧ અરજીઓ પૈકી ૮૩૪ અરજીઓ અંગે રીપોર્ટ મંગાવાયા છે. જ્યારે ૪૫૯૨ અરજીઓ જરૂરી કાર્યવાહી અર્થે મોકલાઇ છે. જેમાં એસીબી તરફથી મળેલા રીપોર્ટ અનુસાર ૨૨ જાહેરસેવકો સામે પ્રોસીક્યુશન અને ૨૯૦ જાહેરસેવકો સામે કડક શિક્ષા કરવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૫ સામે પેન્શન કાપ, ૪૫ સામે હળવી શિક્ષા, ૨૧ સામે વસુલાત સાથે કુલ ૪૧૩ જાહેરસેવકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આયોગે ભલામણ કરી છે.
આ ગુજરાત તકેદારી આયોગને વર્ષ ૨૦૧૭ દરમિયાન સચિવાલયનાં જુદા જુદા વિભાગો તેમજ બોર્ડ-નિગમોનાં ૧૧૦૩ અહેવાલો મળ્યા હતા. આ ઉપરાંત આ વિભાગો અને બોર્ડ-નિગમોના કુલ ૩૮૯ કિસ્સાઓમાં કેસ કરવા અંગે આયોગમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત તકેદારી આયોગને મળેલા ૧૪૯૨ અહેવાલોમાં વિચારણા કરીને ૬૪૮ અધિકારીઓ સામે જુદી જુદી સજા કરવા ભલામણો કરવામાં આવી હતી. ગુજરાત રાજય તકેદારી આયોગે તો તેની રીતે સરકારને વિગતવાર અહેવાલ રજૂ કરી ઉપરોકત ભલામણ કરી દીધી છે. સરકાર હવે આયોગના વલણ બાદ શું પગલા લે છે તે જોવાનું રહે છે.