ફ્રાંસના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સગર્ભા બનવા માટે ફર્ટીલીટી દવા લઈ ચૂકેલી મહિલાઓ મારફતે જન્મેલા બાળકોમાં લ્યુકેમીયા જેવા રોગનો ખતરો વધારે રહે છે. બ્રિટનમાં જાણીતા અખબાર ડેલી મેલે અભ્યાસના તારણોને ટાકીને જણાવ્યું છે કે બાળકો નહીં થવાની સ્થિતિમાં સગર્ભા બનવા ફર્ટીલીટી દવા લેનાર મહિલાઓમાં જન્મ લેતા બાળકો પૈકી ૨.૬ ગણા બાળકોને લ્યુકેમિયા થવાનો ખતરો રહે છે. બાળપણમાં લ્યુકેમિયા ખૂબહ જ સામાન્ય પ્રકારનો રોગ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એક્યુટ લિમ્ફોબ્લાસ્ટીક લ્યુકેમિયા (એએલએલ) થવાનો ખતરો આવા બાળકોને વધારે રહે છે જ્યારે એક્યુટ મેલોઈડ લ્યુકેમિયા (એએમએલ)ના સ્વરૂપમાં રોગ થવાનો ખતરો ૨.૩ ગણો વધી જાય છે.
સામાન્ય રીતે જન્મેલા બાળકોમાં આવા રોગના ખતરા ખૂબ જ ઓછા રહે છે. ઇન વિટ્રો ફર્ટીલાઈઝેશન (આઈવીએફ) સાથે આનો સીધો સંબંધ કઈ રીતે છે તે સંબંધમાં કોઈ નવા તારણો આપવામાં આવ્યા નથી. વૈજ્ઞાનિકો તેમના તારણો અંગે સંપૂર્ણ ખુલાસો પણ કરી શક્યા નથી પરંતુ જાણવા મળ્યું છે કે ફર્ટીલીટી દવાઓ અને બાળકોમાં લ્યુકેમિયા વચ્ચે સીધો સંબંધ રહેલો છે.
પેરિસમાં ફ્રેંચ રિસર્ચ સંસ્થામાં તબીબોએ કહ્યું છે કે પ્રાથમિક અભ્યાસના તારણો જારી કરવામાં આવ્યા બાદ વધુ અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે. અભ્યાસમાં તારણ ઉપર પહોંચવા માટે કુલ ૨૪૪૫ ફ્રાંસના બાળકો અને તેમની માતા ઉપર અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ફર્ટીલીટી ટેકનોલોજીનો ઉપયોગ આધુનિક સમયમાં વધ્યો છે. જાખમમાં વધારો થયો હોવા છતાં ફર્ટીલીટી સારવાર લઈ ચૂકેલી મહિલાઓના બાળકોમાં આ રોગના શિકાર બાળકોની સંખ્યા ઓછી દેખાઈ છે.