લઘુ કથા
સરપ્રાઈઝ ગિફ્ટ
આ વખતે આ આપણો પેહલો વેલેન્ટાઈન છે કે જેમાં આપણે એકબીજા સાથે દિલ થી જોડાયા છીએ. નહિ તો અત્યાર સુધીના પાંચ વર્ષ તો તારી પાછળ જ ગયા અને હવે છેક પાંચ વર્ષ પછી તને મારા પ્રેમની કદર થઇ અને એ પણ જો હું અહીંયા આર્મીમાં અને તું તારી હોસ્ટેલમાં બહુ મિસ કરું છું યાર તને! તારા સાથે નાઈટ વૉક કરવી છે, સવારની પેહલી ચાની લહેજત માણવી છે, તને એક લાલ કલર સાડી માં સજેલી જોવી છે, તારા હાથમાં હાથ નાખીને દુનિયા ઘુમવી છે, તારી સાથે રાતોની રાતો બેસીને ભવિષ્યના સોનેરી શમણાં જોવા છે અને છેલ્લે બસ તારી સાથે મારે પુરી જિંદગી જીવી લેવી છે.
સ્વરા શું ગિફ્ટ જોઈએ છે તારે ?
મારે તો તું જ જોઈએ આ વેલેન્ટાઈન પર… બસ મારે બીજું કઈ નથી સાંભળવું…
રિસાઈ ગયેલી સ્વરાને મનાવવા માટે શિશિરે ગિફ્ટ મોકલી આપી અને મેસજ કર્યો.
મેં તને એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી છે કદાચ તને 14 ફેબરીઆરી પેહલા મળી જશે. મારુ તો આવવાનું શક્ય જ નથી પણ તું આ ગિફ્ટથી જ કામ ચલાવી લેજે પણ હું તને વચન આપું છું કે આવતી સાલ આપણે બંને આ દિવસ સાથે જ ઉજવીશું અને તું જયારે ગિફ્ટ રેપ કરેલી ભેટ જોઇશ ને તો તારો બધો જ ગુસ્સો ઉતરી જશે અને તું મને યાદ કરીને રડી પડીશ.
સ્વરાને અચાનક જ સોશ્યિલ મીડિયા માંથી સમાચાર મળ્યા કે પુલવામાં બહુ મોટો આતંકી હુમલો થયેલ છે ઘણા જવાનો શહિદ થઇ ગયા અને એમાં હતો સ્વરા નો શિશિર.
વેલેન્ટાઈનની ગિફ્ટ તો હજી સુધી કુરિયરમાંથી ના આવી પણ શિશિર જ એની ગિફ્ટ બનીને આવી ગયો.
જયારે ત્રિરંગામાં લપેટાઈને એનો મૃતદેહ સામે આવીયો ત્યારે તો સ્વરાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે આક્રંદ કરવા લાગી અને તેને શિશિરે કહેલ પેલી વાત યાદ આવી કે સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને તું રડવા લાગીશ.
ભગવાન આવી સરપ્રાઈઝ કોઈને ના આપે.
જય હિંદ…
- લેખિકાઃ ભૂમિકા પંચાલ