ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ત્રણ વરસ પહેલા આવેલા ભયાનક પૂરમાં તબાહ થયેલી ખેતીની જમીન માટે સુજલામ્ સુફલામ જળ અભિયાન આશીર્વાદ લઇ આવ્યું છે. પૂરમાં બંજર બની ગયેલી જમીનમાં, જળ અભિયાન દરમિયાન તળાવના ખોદકામથી નીકળેલી માટી અને કાંપનું બે બે ફૂટ સુધીનું પૂરાણ કરીને ખેતીને માટીદાર બનાવવામાં આવી રહી છે. રાણસીકીમાં ૬૨ વિઘાનું તળાવ બનાવવામાં આવ્યું છે. આમેય, સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં ગોંડલ તાલુકામાં થયેલી કામગીરી અને જનશક્તિની ભાગીદારીએ સમગ્ર ગુજરાતમાં નવો ચીલો ચાતર્યો છે.
ત્રણ વર્ષ પૂર્વે ગોંડલ તાલુકામાં આવેલા ભયાનક પૂરને કારણે રાણસીકી ગામમાં ખેતીની જમીનની એવી હાલત થઇ ગઇ કે જ્યાં એક વખત મોલાત લહેરાતી ત્યાં પથ્થર દેખાવા લાગ્યા. પૂર પછીના એક વર્ષ તો વાવણી જ ના થઇ શકી. ખેતીની જમીનમાં આટલા મોટા પ્રમાણમાં માટી કેવી રીતે નાખવી એ મોટો પ્રશ્ન હતો. એ બાદના વર્ષમાં સ્થાનિક ખેડૂતોએ ખેતીની જમીનમાં થોડી થોડી માટી નાખી વાવણી તો કરી શક્યા પણ, આ માટીની રોયલ્ટી ભરવી પડતી હતી. એવામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્ય સરકારે આ વર્ષે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કર્યું. એમાં ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ તાલુકાના તમામ ૭૭ ગામોમાં જળ સંચયના કામો કરવાની આગેવાની લીધી ને પછી શરૂ થયું રાણસીકી ગામની ખેતીની જમીનને પુનઃજીવંત કરવાની ખેડૂતોની સ્વયંભૂ ઝૂંબેશ.
રાણસીકી ગામની સીમમાં બારનાળા તળાવમાંથી કાંપ અને માટી કાઢી ઉંડુ ઉતારવાની ઝૂંબેશ આદરવામાં આવી. બારનાળા તળાવમાં રોજ ચાલીસથી પચાસ ટ્રેક્ટર ભરીને માટી ખેડૂતો લઇ જવા લાગ્યા. એ પણ એક નયા પૈસાની રોયલ્ટી ભર્યા વીના સાવ મફતમાં !
રાણસીકી ગામના સરપંચ ઘનશ્યામભાઇ કાછડિયા કહે છે કે, અમારા ગામના ૭૦૦ વિઘા જેટલી જમીનમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવમાંથી ખોદવામાં આવેલી માટી નાખવામાં આવી છે. ઘણા ખેડૂતોએ બે બે ફૂટ સુધી માટી પાથરી છે. આ માટી ફળદ્રુપ હોવાથી ખેતીને ફાયદો થશે. ખેતીનો પાક સારી રીતે લઇ શકાશે. વળી, અમારૂ આ તળાવ પણ સાત ફૂટ સુધી ઉંડુ ખોદવામાં આવતા પાણીનો વધુ સંગ્રહ થશે.તેનાથી જમીનમાં પાણીના તળ ઉંચા આવશે. તળાવની આસપાસના ખેતીની જમીનમાં ખરીફ અને રવી પાક લઇ શકાશે. અમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનીએ એટલો ઓછો છે.
કાછડિયાએ મહત્વની વાત કરતા કહે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આયોજન છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી. ત્યારે, તે માટે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન મહત્વનું છે. જળાશયોની સંગ્રહશક્તિ વધે એટલે ખેડૂતોની આપોઆપ વધી જાય છે. ખેડૂતો વધુ સારી રીતે પાક લઇ શકે અને તેના પરિણામે તેની આવકમાં વૃદ્ધિ થશે.
રમેશભાઇ સોરઠિયા નામના ખેડૂત કહે છે, અમારી જમીન તળાવના કાંઠે જ આવેલી છે. આ વખતે અમે સાવ વિના મૂલ્યે માટી જમીનમાં નાખી છે. બે બે ફૂટ સુધીના થર ચઢાવી દીધી છે. ત્રણ વર્ષ પહેલા આવેલા પૂરમાં મારી જમીન સાવ ધોવાઇ ગઇ હતી. હવે, આ માટીનું પૂરાણ કરતા અમને ફાયદો થયો છે. તળાવમાં પાણી વધુ ભરાતા અમે બે મૌસમનો પાક લઇ શકશું.
ભગવાનભાઇ પટોળિયા નામના અન્ય ખેડૂતે પણ આવી વાત કરી હતી. તેમણે કહ્યું કે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના કારણે ખેડૂતોને વિશેષતઃ ફાયદો થવાનો છે. આ અભિયાન ખેડૂતોના હિતમાં છે. રાજ્ય સરકારે આ અભિયાન સતત ચલાવવું જોઇએ.
રાણસીકી ગામથી વિંઝીવડ જવાના માર્ગ ઉપર આવેલું આ જળાશય બારનાળા તળાવ તરીકે ઓળખાય છે. જે ૧૦ હેક્ટર, અર્થાત ૬૨ વીઘા જમીનમાં પથરાયેલું છે. ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા બે જેસીબી મશીન ફાળવવામાં આવ્યા છે. જે ૧૨ કલાક સુધી કામ કરે છે. રોજબરોજ ૭૫ ટ્રેક્ટર માટીના ફેરા માટે લાઇન લગાવે છે. આ તળાવને સાત ફૂટ સુધી ઉંડુ ઉતારવામાં આવ્યું છે. તેના કારણે ત્રણ મિટર લેવલ વધુ પાણી સંગ્રહ થઇ શકશે. એટલ કે, ૦.૫૦ એમસીએફટી વધુ પાણીનો સંગ્રહ થશે. તેના પરિણામે દેરડીકુંભાજી, વિંઝીવડ, રાણસીકી ગામની ૧૦૦ હેક્ટર જમીનને ફાયદો થશે અને ખરીફ-રવી પાક લઇ શકાશે.
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૮ મે, ૨૦૧૮ સુધી થયેલી કામગીરીની સ્થિતિ જોઇએ તો જળ સંચયના ૫૦૫ કામોની સામે ૩૪૪ કામો પૂર્ણ થઇ ગયા છે. ૨૫૧ કામો લોકભાગીદારી હેઠળ પૂર્ણ થયા છે. જેમા ૫૦ જેટલી સંસ્થાઓ જોડાઇ છે. આ કામો પાછળ અંદાજે રૂ. ૭.૪૨ કરોડનો ખર્ચ થયો છે. અત્યાર સુધીમાં ૧૪૬૧૭૭૮ ઘનમિટર માટી કાઢવામાં આવી છે. જ્યારે, મનરેગા હેઠળ ૭૩૧૪ લોકોને રોજગારી મળી છે.
(લેખક રાજકોટના કલેક્ટર છે)